
Gujarat News : રાજ્ય સરકાર દ્વારા 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતા પાટણ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં સરસ્વતી તાલુકાના રણાવ, મેલુસણ, મોરપા, ઘેચેલી, ધારૂસણા અને કાનોસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિના ઊભો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં ઘેરાયા છે. રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરાયા છે, પરંતુ પાટણ જિલ્લાને બાકાત રખાતા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
પાટણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઉગ્ર માંગ
પાટણના સરસ્વતીના રણાવ ગામે ખેડૂતો સુકા તળાવમાં એકઠા થઈને સરકાર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ માંગ કરી છે કે, કેનાલો અને તળાવોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, નહીંતર પાટણ જિલ્લાને પણ સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોએ વીઘા દીઠ 10 હજાર રૂપિયાથી 12 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરીને એરંડા, કપાસ અને ઘાસચારા જેવા પાકોનું મોંઘા ભાવનાં બિયારણ અને ખાતર લાવીને વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાતા અને છેલ્લી ઘડીએ પાણી ન મળતાં તમામ પાક સુકાવાની અણી પર પહોંચ્યો છે, જેના કારણે ખેડૂતોના માથે દવાનો મોટો ડુંગર ખડકાઈ રહ્યો છે.
પશુપાલન વ્યવસાય પર પણ ખતરો
માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન વ્યવસાય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. વિસ્તારમાં ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે અને બજારમાં ઘાસના એક પૂળાનો ભાવ 40થી 50 રૂપિયા સુધી પહોંચ્યો છે, જે સામાન્ય ખેડૂત કે માલધારીને પોસાય તેમ નથી. પશુઓને સાચવવા હવે ખેડૂતો માટે અશક્ય બનતું જાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પૂર્વ ધારાસભ્યએ પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવા ઉગ્ર રજૂઆત કરી છે.
સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માંગ
સરસ્વતી તાલુકાના ખેડૂતોની માંગ છે કે, સરકાર સરસ્વતી તાલુકાની સ્થિતિનો તાત્કાલિક સર્વે કરાવે. પાકને થયેલા નુકસાન અને પાણીની અછતને ધ્યાનમાં રાખી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે. અને ખેડૂતોને રાહત સહાય ચૂકવવામાં આવે અથવા કેનાલોમાં પાણી છોડીને પાક બચાવવા વ્યવસ્થા કરવામાં આવે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પાટણને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં બાકાત રાખતાં રોષ
રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજની જાહેરાત કરાઈ છે. જોકે, પાટણ જિલ્લાને બાકાત રખાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે. અનિયમિત વરસાદ અને અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું હોવાની રજૂઆત સાથે સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે.
નેતાઓ દ્વારા પણ કરાઈ રજૂઆત
સરસ્વતી તાલુકામાંથી પસાર થતી મુખ્ય સુજલામ સુફલામ કેનાલ હોય કે પછી દાંતીવાડા માઈનોર કેનાલ હાલ પાણીના અભાવે ધૂળ ઊડી રહી છે. ખેડૂતોએ પાક બચાવવા માટે તળાવો પર બબ્બે લાખ રૂપિયાના મોંઘા મશીનો અને પંપો વસાવ્યા હતા, પરંતુ પાણી ન હોવાથી આ તમામ ખર્ચ માથે પડ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવા ઉગ્ર રજૂઆત કરી છે.
સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગણી
નર્મદા ડેમમાં પાણીનો જથ્થો હોવા છતાં કેનાલોમાં પાણી ન મળતું હોવાની ખેડૂતોની રજૂઆત છે. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે. એરંડા, કપાસ, ઘઉં અને ઘાસચારાના પાકને બચાવવા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ : RTOમાં AI કેમેરાના કારણે લાયસન્સ ટેસ્યમાં 80% વાહનચાલકો ફેલ












