Cabinet Reshuffle: કેબિનેટ બેઠકમાં ઘણા મંત્રીઓના લેવાઈ શકે છે રાજીનામાં, બે દિવસમાં જ નવું મંત્રીમંડળ આવી શકે છે સામે

ગાંધીનગર, તા. 15 ઓક્ટોબર, 2025: ગુજરાતના રાજકારણ માટે એક સૌથી નિર્ણાયક અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર અને વિસ્તરણ થવા જઈ રહ્યું છે. સૂત્રો મુજબ, આ વિસ્તરણમાં વર્તમાન મંત્રીમંડળના ઘણા ચહેરા બદલાશે અને તેમની જગ્યાએ નવા ધારાસભ્યોને મંત્રી તરીકે સ્થાન મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન મંત્રીમંડળના કેટલાક સભ્યો માટે આવતીકાલની કેબિનેટ બેઠક છેલ્લી સાબિત થઈ શકે છે. આ બેઠક પછી તરત જ ઘણા મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે અને નવા મંત્રીમંડળની રચનાની પ્રક્રિયા શરૂ થશે.
૧૭ ઓક્ટોબરે શપથવિધિ
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો ૧૭ ઓક્ટોબરે અંત આવશે. નવા મંત્રીમંડળની ભવ્ય શપથવિધિ વાઘબારસના શુભ દિવસે યોજાશે. આ કાર્યક્રમ મહાત્મા મંદિર અથવા વિધાનસભા બહારના પટાંગણમાં યોજાઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના વધતા જોરને ધ્યાનમાં રાખીને પાર્ટી પાટીદાર નેતાઓને સમાવેશ કરી છે. જેમાં જયેશ રાદડીયા, મહેશ કસવાલાનું નામ અગ્રેસર છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા તથા રિવાબા જાડેજાને પણ સૌરાષ્ટ્રમાંથી સ્થાન મળી શકે છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા જયરામ ગામીતને સ્થાન મળી શકે છે. વડોદરામાંથી કેયુર રોકડિયા અથવા બાલુ શુકલાને મંત્મંરીડળમાં સ્થાન મળી શકે છે. ઓબીસી સમાજના અગ્રણી નેતા અલ્પેશ ઠાકોરને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. જોકે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળીને વિરમગામથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલની પણ સરપ્રાઈઝ એન્ટ્રી થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.












