અમદાવાદ-સુરતમાં ગુનાખોરી વધી, સરકારની વિધાનસભામાં કબૂલાત
ગાંધીનગર, તા. 9 સપ્ટેમ્બર, 2025: ગુજરાતના વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા ચોમાસું સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો હતો. જેમાં સરકારે અનેક ચોંકાવનારી કબૂલાત કરી હતી. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમદાવાદ-સુરત જિલ્લામાં ચોરી, લૂંટ, છેતરપિંડી અને દુષ્કર્મના કેસમાં વધારો થયો છે.
વિધાનસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, છેલ્લાં છ મહિનામાં અમદાવાદ શહેર અને જીલ્લામાં બળાત્કારના 208 કેસો જ્યારે છેડતીના 108 કેસો નોધાયા છે. સુરત શહેર અને જીલ્લામાં બળાત્કારના 221 જ્યારે છેડતીના 92 કિસ્સા નોંધાયા છે. આ જોતાં બંને શહેર-જીલ્લામાં મહિલાઓ અસલામત બની હોય તેવુ ચિત્ર ઉભું થયુ છે. કોઈપણ ચમરબંધીને નહી છોડાય તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે બળાત્કાર અને છેડતીના કુલ મળીને 40 આરોપીઓ ફરાર છે જેને પોલીસ હજુ સુધી પકડી શકી નથી.
અમદાવાદ જીલ્લા કરતાં અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે. છેલ્લાં છ મહિનામાં અમદાવાદ શહેરમા જ જુગારના 700 કેસો, ચોરીના 1803 કેસો, લૂંટના 42 કેસો જ્યારે છેતરપીંડીના 276 કેસો નોંધાયા છે. આ પરથી શહેરમાં ગુનાખોરીનું સામ્રાજ્ય વકરી રહ્યુ છે તે વાત પ્રસ્થાપિત થઇ છે.
આ જ પ્રમાણે સુરત જીલ્લા કરતાં અમદાવાદ શહેર-જીલ્લામાં બળાત્કારના17 અને સુરત શહેર-જીલ્લામાં 13 આરોપીઓ હજુ ફરાર છે. આ ઉપરાંત છેડતીના 10 આરોપીઓને પોલીસ હજુ શકી નથી. યુવાઓ નશીલા પદાર્થના બંધાણી બન્યાં છે ત્યારે મેટ્રો સીટીમાં બેરોકટોક નશીલા પદાર્થનું વેચાણ થઇ રહ્યુ છે ત્યારે ગૃહવિભાગના રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર-જીલ્લામાં નશીલા પદાર્થ વેચવાના મુદ્દે 59 કેસો નોંધાયા છે જ્યારે સુરતમાં આ કેસોની સંખ્યા 94 સુધી પહોંચી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આવશે વરસાદનો હજુ એક ખતરનાક રાઉન્ડ, જાણી લો લેટેસ્ટ આગાહી












