AMCનો મોટો નિર્ણય, કિચનની સફાઈ પર રહેશે ગ્રાહકોની નજર; રેસ્ટોરન્ટમાં LIVE CCTV ફરજિયાત
Ahmedabad : શહેરમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ગ્રાહકોની આરોગ્ય સુરક્ષા અને કામગીરીમાં વધુ પારદર્શકતા સુનિશ્ચિત કરવાના હેતુથી તંત્ર દ્વારા શહેરના 11,123 થી વધુ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈ-મેઈલ મારફતે ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્દેશ મુજબ, તમામ ખાદ્ય એકમોએ પોતાના રસોડામાં (કિચન) સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ સ્ટ્રીમિંગ રિસેપ્શન એરિયા અને ગ્રાહકોના બેસવાના સ્થળે પ્રદર્શિત કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગત 19 ઓગસ્ટના રોજ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વ્યાપક ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએ FSSAI ના નિયમોનો અનાદર, ભારે અસ્વચ્છતા, ખાદ્ય સામગ્રીમાં જીવાતો અને ભેળસેળ જોવા મળી હતી. જેના પગલે કોલેજ કેન્ટીન સહિત શહેરના કેટલાક નામાંકિત આઉટલેટ્સને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિયમોનું અનાદર કરનાર કોઈપણ એકમ સામે લાયસન્સ રદ્દ કરવા સુધીના કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રસોડાનું લાઈવ સીસીટીવી પ્રસારણ અને FSSAI નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત
શહેરમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તમામ ફૂડ આઉટલેટ્સ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ફૂડ વિભાગના અધિકારી ડૉ. તેજસ શાહે સ્પષ્ટ કર્યું છે કે, Food Safety and Standards Act, 2006 તેમજ FSSAI ની માર્ગદર્શિકા મુજબ દરેક ખાદ્ય એકમે કિચનની પૂર્ણ સ્વચ્છતા, કારીગરોના વ્યક્તિગત હાઈજીન, કાચા અને રાંધેલા ખોરાકના અલગ સંગ્રહ, પીવાના શુદ્ધ પાણી, નિયમિત પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલના નિયમોનું પાલન કરવાનું રહેશે.
ગ્રાહકો પોતાની નજરે જ રસોડાની કામગીરી અને સ્વચ્છતા નિહાળી શકે તે માટે સીસીટીવીનું લાઈવ પ્રસારણ દર્શાવવું હવે અનિવાર્ય રહેશે. આ ઉપરાંત, ખોરાકને ધૂળ-માટી, જીવાત કે અન્ય દૂષિત તત્વોથી બચાવવા, માત્ર મંજૂર કરાયેલા ફૂડ કલર્સનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવા તેમજ રસોઈના તેલનો મર્યાદિત અને સુરક્ષિત પુનઃઉપયોગ કરવા અંગે પણ કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર કે બેદરકારી દાખવનાર એકમો સામે કાયદેસરના પગલાં લેવાશે, અને ગંભીર કિસ્સાઓમાં લાયસન્સ રદ કરી એકમ સીલ પણ કરી દેવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અસ્વચ્છતા, ભેળસેળ અને જીવાત મળતાં અનેક જાણીતા એકમો સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવતાં અનેક ખાદ્ય એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. FSSAI લાયસન્સનો અભાવ, અસ્વચ્છતા, ખોરાકમાં જીવાતો અને ભેળસેળયુક્ત સામગ્રી મળી આવતાં તંત્ર દ્વારા કોલેજ કેન્ટીન સહિત અનેક જાણીતા આઉટલેટ્સને સીલ કરી દેવામાં આવ્યા છે.
સીલ કરાયેલા અને બંધ કરાવાયેલા મુખ્ય એકમો:
RKR કેટરર્સ (મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ, સૈજપુર બોઘા): લાયસન્સ વગર સંચાલન, અતિશય ગંદકી તેમજ ખાદ્ય પદાર્થોમાંથી કીડી અને ધનેરા જેવી જીવાતો મળી આવતાં કેન્ટીનને સીલ કરવામાં આવી છે.
MAD OVER GRILLS (મણિનગર): સ્ટોર રૂમમાં રાખેલા પીપમાંથી સંગ્રહિત મેંદામાં જીવતી જીવાતો મળી આવતાં એકમ સીલ કરાયું.
રાજેશ દૂધ ઘર (કુબેરનગર) અને ભૈરવનાથ ભોજનાલય: મીડિયમ અને લો-ફેટ પનીરનો જથ્થો ગુણવત્તાના ધોરણો મુજબ અપ્રમાણિત જણાતાં સીલિંગની કાર્યવાહી કરાઈ.
સંતોષ ઘી ભંડાર (દિલ્હી દરવાજા): વનસ્પતિ તેલનો ઉપયોગ કરીને નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાતાં સેમ્પલ લઈ દુકાન સીલ કરવામાં આવી.
સમ્રાટ બેકરી (બહેરામપુર) અને સબરુ ચાઈનીઝ (સરખેજ): FSSAI લાયસન્સ ન હોવું, ભારે અસ્વચ્છતા તેમજ કારીગરોના મેડિકલ ફિટનેસ અને વોટર ટેસ્ટિંગ રિપોર્ટનો અભાવ જણાતાં આ બંને એકમોને બંધ કરાવાયા છે.
આ પણ વાંચો:સરખેજ-સાણંદ ચોકડી પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે
આ પણ વાંચો:સરખેજ-સાણંદ ચોકડી પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે












