અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઓનલાઈન પતિ શોધવા જતાં NRI મહિલાનો ત્રીજો પતિ પણ દગાબાજ નીકળ્યો, અનેક મહિલા સાથે લફરા હતા

NRI woman: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 46 વર્ષીય NRI મહિલાએ પોતાના પતિ અને પતિના બે સંતાનો વિરુદ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ આરોપ મૂક્યો છે કે તેના ત્રીજા પતિને અન્ય 10થી 15 યુવતીઓ સાથે સંબંધ હતા અને તેમાંથી એક યુવતીએ પોતાને પણ તેની પત્ની હોવાનું જણાવ્યું હતું. મહિલાએ મારઝૂડ અને માનસિક ત્રાસના પણ આરોપ લગાવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Shadi.com મારફતે થયો હતો પરિચય

ફરિયાદ મુજબ સેટેલાઇટ વિસ્તારમાં રહેતી મહિલા અમેરિકાની નાગરિકતા ધરાવે છે. મહિલાના પ્રથમ લગ્ન બાદ તેને બે દીકરીઓ છે, જે હાલ અમેરિકામાં રહે છે. વર્ષ 2015માં તેના પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા હતા.

ત્યારબાદ વર્ષ 2018માં મહિલાએ બીજા લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા, જોકે કેટલીક બાબતોને લઈને વિવાદ સર્જાતા છૂટાછેડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પછી વર્ષ 2023માં મહિલાનો પરિચય મેટ્રિમોનિયલ વેબસાઇટ Shadi.com મારફતે યતીન શાહ સાથે થયો હતો. ડિસેમ્બર 2023માં બંનેએ લગ્ન કર્યા હતા.

પતિના પણ હતા ત્રીજા લગ્ન

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યતીન શાહના પણ આ ત્રીજા લગ્ન હતા. તેના પ્રથમ લગ્નથી એક પુત્ર અને એક પુત્રી છે.

લગ્ન બાદ પતિ સતત ફોન પર વાતચીત કરતો હોવાથી મહિલાને શંકા ગઈ હતી. મહિલાએ પતિના મોબાઇલ અંગે તપાસ કરતાં મુંબઈ અને ગોવામાં રહેતી અનેક યુવતીઓના નંબર મળી આવ્યા હોવાનો દાવો કર્યો છે.

‘સંતાનોને લગ્ન પસંદ નથી’ કહી ભાડાના મકાનમાં રાખ્યા

મહિલાનો આરોપ છે કે લગ્ન બાદ પતિ તેને અન્ય ભાડાના મકાનમાં રહેવા લઈ ગયો હતો. પતિએ તેને કહ્યું હતું કે તેના સંતાનોને આ લગ્ન પસંદ નથી અને પરિસ્થિતિ સારી થયા બાદ બંને કાયમી રીતે સાથે રહેવા જશે.

મહિલા પતિની વાત પર વિશ્વાસ રાખીને તેની સાથે રહેતી હતી.

ગોવાની હોટલમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફરિયાદમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2024માં બંને ગોવા ફરવા ગયા હતા. અહીં પતિ જુગારમાં નાણાં હારી ગયો હોવાનો મહિલાએ આરોપ કર્યો છે.

આ દરમિયાન હોટલના સ્ટાફ પાસેથી મહિલાને એવી માહિતી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે કે તેનો પતિ અગાઉ પણ અન્ય મહિલાઓ સાથે આ હોટલમાં રોકાઈ ચૂક્યો હતો.

ફોન કરતાં યુવતીએ કહ્યું- ‘હું પણ તેની પત્ની છું’

મહિલાને પતિના મોબાઇલમાં ‘મુંબઈ સુવર્ણા’ નામથી સેવ કરેલો એક નંબર મળ્યો હતો. મહિલાએ આ નંબર પર ફોન કરતાં સામેની યુવતીએ પોતાને પણ યતીનની પત્ની હોવાનું જણાવ્યું હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે.

આ અંગે મહિલાએ પતિ પાસેથી સ્પષ્ટતા માગતાં તેની સાથે મારઝૂડ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.

મોબાઇલમાં 15 જેટલી યુવતીઓ સાથેની ચેટ મળી હોવાનો દાવો

ફરિયાદ મુજબ મહિલાએ પતિનો મોબાઇલ તપાસતાં આશરે 10થી 15 જેટલી યુવતીઓના નંબર અને તેમની સાથે થયેલી ચેટ જોવા મળી હતી.

મહિલાનો આરોપ છે કે પતિ અલગ-અલગ યુવતીઓ સાથે વાતચીત કરતો હતો અને લગ્ન કરવાની ખાતરી પણ આપતો હતો. સાથે જ પોતાના ત્રીજા લગ્નની વાત પણ છુપાવતો હતો.

પતિના સંતાનો સામે પણ ત્રાસનો આરોપ

મહિલાએ ફરિયાદમાં પતિના પુત્ર અને પુત્રી સામે પણ માનસિક ત્રાસ આપવાના આરોપ લગાવ્યા છે. મહિલાના કહેવા મુજબ, તેણે પતિના વર્તન અંગે પરિવારના સભ્યો સમક્ષ વાત કરતાં તેને કહેવામાં આવ્યું હતું કે પિતાનું વર્તન આવું જ રહેશે અને ન ફાવે તો તે અલગ થઈ શકે છે.

આ મામલો અગાઉ પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પરંતુ તે સમયે પતિએ માફી માંગતાં સમાધાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઉદેપુરમાં મારઝૂડ બાદ પોલીસ ફરિયાદ

મહિલાનો આરોપ છે કે થોડા દિવસ પહેલાં ઉદેપુરની એક હોટલમાં પતિએ દારૂ પીધા બાદ તેની સાથે ધમાલ કરી અને મારઝૂડ કરી હતી.

આ ઘટના બાદ મહિલાએ અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને તેના બંને સંતાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ફરિયાદમાં કરવામાં આવેલા આરોપો અંગે પુરાવા એકત્ર કરવાની સાથે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આરોપોની સત્યતા પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ પાસે નબીરાનો આતંક: ફૂલ સ્પીડમાં 3 કાર ફંગોળી તાંડવ મચાવ્યો

Back to top button