ગુજરાતટ્રેન્ડિંગ

ધુરંધર જોઈને 12 વર્ષના બાળકનું કારસ્તાન, સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાડવાની ધમકીનો ભેદ ઉકેલાયો

Gujarat News: અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક 12 વર્ષના દીકરાનું પરાક્રમ સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના 12 વર્ષના દીકરાએ ‘ધુરંધર’ મૂવી જોયા બાદ માત્ર મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં આ ધમકીભરી ચિઠ્ઠી લખી હતી.

બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી, જે બાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ અને BDDS દોડતા થયા હતા. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતાં બાળકે આ કામ કર્યું હોવાની કબૂલાત કરી છે.

સ્પોર્ટસ ક્લબમાંથી આતંકી હુમલાની ધમકીની ચિઠ્ઠી મળી હતી

ઉલ્લેખનીય છે કે 1 જૂને અમદાવાદના SP સ્ટેડિયમ નજીક આવેલી સ્પોર્ટસ ક્લબમાં બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો પત્ર મળતા દોડધામ મચી હતી. દાઉદ અને લશ્કર-એ-તોઈબાના ઉલ્લેખ સાથે પેન્સિલથી લખાયેલી ચિઠ્ઠીમાં 21 જૂને બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. જે રૂમમાંથી ચિઠ્ઠી મળી છે તે રૂમમાં ત્રણ વિદેશી નાગરિકો રોકાયા હોવાનું પણ સામે આવ્યું હતું.

રૂમ ખાલી થયા બાદ ચિઠ્ઠી મળી

સ્પોર્ટસ ક્લબના જે રૂમમાંથી ધમકીભરી ચિઠ્ઠી મળી હતી તે રૂમ પલક ડોકટરના રેફરન્સથી બુક કરાયો હતો. જેમાં 29મીએ વિદેશી વેપારીઓ રોકાયા હતા અને 30મીએ ચેકઆઉટ કર્યું હતું. આ રૂમ ખાલી થયા બાદ સફાઈકર્મીઓ જ્યારે સફાઈ કરી રહ્યા હતા, ત્યારે કબાટમાંથી ધમકી ભરેલી ચિઠ્ઠી મળી આવી હતી.

જે 3 વિદેશી વેપારીઓ રૂમમાં રોકાયા હતા તેઓ હજી ભારતમાં જ હોવાની વિગતો સામે આવી હતી. ધમકીભરી ચિઠ્ઠી મળી આવ્યા બાદ બોમ્બ સ્કવોડ, SOG, ડોગ સ્કવોડ સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બે કલાક સુધી તપાસ કર્યા બાદ કંઈ મળી આવ્યું ન હતું.

આ પણ વાંચોઃ સુરત બની રહ્યું છે ગુનાખોરીનું હદ : પાંડેસરામાં કૂટણખાનામાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ
Back to top button