અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV બહાર આવ્યા, જાણો કેવી રીતે થયું મોત

Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું 8 જૂને રાત્રે ચોથા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વહેલી સવારે 3 વાગ્યાને 39 મિનિટે મહાવીરસિંહ બિલ્ડીંગમાંથી નીચે પડે છે. લૂંટ, ગુજસીટોક અને આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે શંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ 8 જૂને સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો, ત્યારે ચોથા માળેથી નીચે પટકાયો હતો.

2020માં લોકસાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે એન્ટ્રી કરી અને લાખો રૂપિયાનો વરસાદ કરીને મહાવીરસિંહ અચાનક લાઈમલાઈટમાં આવ્યો હતો. બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નશાની હાલતમાં રહીશો સાથે કરી હતી મારામારી

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ મૃતક મહાવીરસિંહ સિંધવ બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝ્યુરિયા ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. 8 જૂને રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે હોબાળો કર્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશો સાથે મારામારી શરૂ કરી દીધી હતી. તેના આતંકથી કંટાળીને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

બિલ્ડીંગમાંથી નીચે પડતા CCTVમાં કેદ

સ્થાનિકોએ પોલીસને જાણ કરી દીધી અને પોલીસ આવવાની જાણ થતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળે ગેલેરીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. જે નીચે પડવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઊંચાઈ પરથી નીચે પડતાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના લીધે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે મહાવીરસિંહ જાતે જ પડી જતા મોત થયું છે, જેથી અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અચાનક ગાળો બોલવા લાગ્યો

ઘુમા વિસ્તારમાં વિભૂષા બંગલો રોડ પર અક્ષર લક્ઝ્યુરિયા ફ્લેટમાં રીટાબેન સોલંકી તેમના પુત્ર સાથે રહે છે. 8 જૂનના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યાની આજુબાજુ અવાજ આવતો હતો તેથી પોતે જાગી અને જોતા તેમના ફ્લેટમાં 403 નંબરમાં રહેતા મહાવીરસિંહ અને તેની સાથેના બે વ્યક્તિ ઊભા હતા. મહાવીરસિંહે કહ્યું હતું કે માસી બહાર આવો. દરવાજો ખોલતા તેણે કહ્યું હતું કે તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર અને તેનું નામ કેમ માંગે છે. આમ કહીને તે ગાળો બોલવા લાગ્યો હતો.

મહિલાની સામે જ તેના પુત્રને માર માર્યો

રીટાબહેનનો પુત્ર ત્યાં ઉભો હતો ત્યારે તેને પકડીને બહાર લઈ ગયા હતા અને બીજા બે માણસોએ તેને પકડી રાખીને મહાવીરસિંહે તેને માર માર્યો હતો. રીટાબેન પોતાના પુત્રને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા અને બૂમાબૂમ થતા ફ્લેટના અન્ય માણસો પણ આવી ગયા હતા અને તેને મારવા માટે દોડ્યા હતા, બધા ફ્લેટની નીચે ઉતરી ગયા હતા અને 112 નંબર પર ફોન કરતા પોલીસની સાયરન વાગતી ગાડી આવી હતી. જેથી મહાવીરસિંહ પોતાના ફ્લેટમાં જતો રહ્યો હતો.

થોડીવાર બાદ મહાવીરસિંહ પોતાની ફ્લેટની બારીમાંથી નીચે પડી ગયો હતો અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ મામલે રીટાબેને મહાવીર સિંહ અને તેના બે સાગરિતો વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ મધ્યાહન ભોજન યોજના સંકટમાંઃ 38 લાખ બાળકોની થાળી ફિક્કી, સંચાલકો સ્વખર્ચે ચલાવી રહ્યા છે કેન્દ્ર
Back to top button