અમદાવાદના સી.જી. રોડ પર પોલીસે બોલાવી સર્જિકલ સ્ટ્રાઈક: નવરંગપુરા પોલીસે 2 દિવસમાં ₹1.40 કરોડના 106 વાહનો કર્યા જપ્ત

Navrangpura Police CG Road Drive: અમદાવાદના પોશ ગણાતા સી.જી. રોડ પર મોડી રાત્રે ટપોરીઓ અને સ્ટંટબાજોના વધતા જતાં ત્રાસ સામે નવરંગપુરા પોલીસે લાલ આંખ કરી છે. મોડી રાત્રિના સમયે વાહનોમાં સ્ટંટ કરવા, મોડિફાઈડ સાયલેન્સરથી અવાજ કરવો અને યુવતીઓની છેડતી કરવા જેવા બનાવો અંગે સ્થાનિક લોકોની સતત ફરિયાદો મળી રહી હતી. જેના આધારે નવરંગપુરા પોલીસ અને શી ટીમ (She Team) દ્વારા 2 દિવસ સુધી સતત 3-3 કલાકની ખાસ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરતા કુલ 106 વાહનો જપ્ત કરીને કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે.
નંબર પ્લેટમાં ઉર્દૂ લખાણ, બ્લેક ફિલ્મ અને લાયસન્સ વગરના વાહનો જપ્ત
ઝોન 1 DCP હર્ષદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સી.જી. રોડ પર PI એન.એ. દેસાઈ અને શી ટીમ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા વાહનચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય, નંબર પ્લેટ વિનાના વાહનો, નંબર પ્લેટ પર કાયદા વિરુદ્ધ ઉર્દૂ કે અન્ય લખાણ લખેલું હોય તથા લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ વાહનોને કબજે કરીને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા છે.
₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ ₹1.40 કરોડની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં થાર અને સ્કોર્પિયો સહિતની 6 લક્ઝુરિયસ કાર ઉપરાંત હાયાબુઝા સ્પોર્ટ્સ બાઇક, બુલેટ, મોપેડ અને એક્સેસ જેવા આશરે 100 જેટલા ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. પોલીસ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, તમામ વાહનોના કાગળો અને દસ્તાવેજોની ચકાસણી કરીને RTO નો દંડકીય મેમો આપવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તહેવારો દરમિયાન પણ ડ્રાઈવ યથાવત રહેશે
પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી તહેવારોની સિઝનમાં પણ જાહેર માર્ગો પર અરાજકતા કે દૂષણ ફેલાવતા તત્વો સામે આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. સી.જી. રોડ જેવા મુખ્ય વિસ્તારમાં નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રીતે ફરી શકે તે માટે નવરંગપુરા પોલીસ અને શી ટીમ દ્વારા આગામી દિવસોમાં પણ આવી અચાનક ડ્રાઈવનું આયોજન ચાલુ રખાશે.
આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ, 44 બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ












