વહુને બદનામ કરવા કાકાસસરાનું ચોંકાવનારું કાવતરું, જાહેરમાં બિભત્સ લખાણ સાથે નંબર ચોંટાડ્યા
અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવેલા પ્રાથમિક ખુલાસા મુજબ, પોતાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યા બાદ એક વ્યક્તિએ પોતાની જ વહુને બદનામ કરવા અને તેનું લગ્નજીવન તોડવાના ઈરાદે કાવતરું રચ્યું હતું.
આરોપીએ મહિલાના નામ અને મોબાઇલ નંબર સાથે બિભત્સ લખાણવાળી ચિઠ્ઠીઓ જાહેર સ્થળોએ ચોંટાડ્યાનો આરોપ છે. આ પછી મહિલાને અજાણ્યા લોકોના અશ્લીલ અને બિભત્સ ફોન આવવા લાગતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
અજાણ્યા લોકોના બિભત્સ ફોનથી મહિલા પરેશાન
ઓઢવ વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલા બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ, 4 સપ્ટેમ્બરથી મહિલા અને તેના પતિના મોબાઇલ નંબર પર અજાણ્યા લોકોના ફોન આવવાનું શરૂ થયું હતું. ફોન કરનારા લોકો મહિલાને બિભત્સ અને અશ્લીલ માગણીઓ કરતા હતા.
વારંવાર આવતા આવા ફોનથી પરેશાન થયેલી મહિલાએ આખરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
100થી વધુ CCTV કેમેરા તપાસ્યા
પોલીસે આરોપીની ઓળખ મેળવવા માટે રામોલ ટોલટેક્સ, હાટકેશ્વર, ઓઢવ રિંગ રોડ અને સિંગરવા સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલા 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.
તપાસ દરમિયાન ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા જાનવી આર્કેડના પાર્કિંગ વિસ્તારમાં એક ચલણી નોટ મળી આવી હતી, જેના પર મહિલાને બદનામ કરતું બિભત્સ લખાણ ધરાવતી ચિઠ્ઠી ચોંટાડવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિ સુધી પહોંચીને મહિલાના કાકાસસરાની ધરપકડ કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એકતરફી પ્રેમ અને બદલો લેવાના ઈરાદાનો ખુલાસો
પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પીડિત મહિલાએ અગાઉ પોતાના કાકાસસરાના લગ્ન કરાવવામાં પણ મદદ કરી હતી. જોકે, સંતાન થયા બાદ કાકાસસરાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું અને બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, છૂટાછેડા બાદ આરોપી પોતાની વહુ પ્રત્યે એકતરફી લાગણી રાખવા લાગ્યો હતો. મહિલાએ તેને સ્વીકાર ન કરતાં આરોપીએ બદલો લેવાના ઈરાદે તેને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું.
પોલીસ તપાસ પ્રમાણે, મહિલાનું લગ્નજીવન તૂટી જાય અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરી શકાય તેવા ઈરાદાથી આરોપીએ જાહેર સ્થળોએ મહિલાનું નામ અને મોબાઇલ નંબર ધરાવતી બિભત્સ ચિઠ્ઠીઓ ચોંટાડવાનું શરૂ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય કોઈ વ્યક્તિ આ કાવતરામાં સામેલ હતી કે નહીં તેમજ કેટલી જગ્યાએ આવી ચિઠ્ઠીઓ ચોંટાડવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કોંગ્રેસ માટે ભવિષ્યની નવી ટીમ તૈયાર કરી રહ્યા છે રાહુલ ગાંધી, 120 નેતાઓ શોર્ટલિસ્ટ થયા












