અમદાવાદમાં બેફામ રિક્ષાચાલકે વૃદ્ધનો જીવ લઈ લીધો, BRTS ટ્રેકમાં ઘુસી ગયો
Brts Track Auto Accident: કૃષ્ણનગર વિસ્તારમાં સ્કાયલાઇન સિરામિક ટાઇલ્સ મોલ સામે આવેલા BRTS રોડ પર શનિવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક ઓટોરિક્ષાએ રસ્તો ક્રોસ કરી રહેલા 62 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ રંગુસિંહ ચૌહાણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ સતલાસણાના ટીબા ગામના વતની અને હાલ કૃષ્ણનગરના શ્રદ્ધા ફ્લેટમાં રહેતા રંગુસિંહ બદસિંહ ચૌહાણ ઠક્કરબાપાનગર સ્થિત જંબુકા કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
26 સપ્ટેમ્બરની રાત્રે રંગુસિંહ સ્કાયલાઇન સિરામિક મોલ સામે આવેલા BRTS ટ્રેકમાંથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પ્રતિબંધિત BRTS કોરિડોરમાં પ્રવેશેલી એક ઓટોરિક્ષાના ચાલકે તેમને અડફેટે લીધા હતા.
ટક્કર એટલી જોરદાર હતી કે રંગુસિંહને માથા તેમજ કાનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો અને પરિવારજનોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે લગભગ 2 વાગ્યે ફરજ પરના તબીબે રંગુસિંહને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત બાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કર્યા બાદ અજાણ્યો રિક્ષાચાલક તક જોઈને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતે ફરી એકવાર પ્રતિબંધિત BRTS ટ્રેકમાં ગેરકાયદે પ્રવેશતા વાહનો અને બેફામ ઝડપના જોખમ અંગે સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: જેલ ભરો આંદોલન શરુ કરશે CJP, 2 ઓક્ટોબરના રોજ પ્રોટેસ્ટની મંજૂરી ન મળતા મોટી જાહેરાત કરી












