ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેલ ભરો આંદોલન શરુ કરશે CJP, 2 ઓક્ટોબરના રોજ પ્રોટેસ્ટની મંજૂરી ન મળતા મોટી જાહેરાત કરી

CJP Mumbai protest: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના 2 ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારા પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી. CJPના સ્થાપક અભિજીત દીપકેએ રવિવારે જણાવ્યું કે જો પાર્ટીને પ્રદર્શન કરવાની મંજૂરી નહીં મળે તો ગાંધી જયંતીના દિવસે મુંબઈમાં ‘જેલ ભરો આંદોલન’ કરવામાં આવશે.

CJPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો કે મતદાનના અધિકાર બાદ હવે તેમના પ્રદર્શન કરવાના અધિકારને પણ રોકવામાં આવી રહ્યો છે. અભિજીત દીપકેએ પોલીસના નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે નાગરિકોની અવાજ દબાવવાના પ્રયાસો સ્વીકાર્ય નથી. તેમણે જણાવ્યું કે પ્રદર્શનનો અધિકાર ન મળે તો 2 ઓક્ટોબરે મુંબઈમાં ‘જેલ ભરો’ કાર્યક્રમ કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સામે પ્રદર્શનની જાહેરાત

CJPએ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 2 ઓક્ટોબરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ કહ્યું હતું કે જો જ્ઞાનેશ કુમાર 26 સપ્ટેમ્બર સુધી પદ નહીં છોડે તો મુંબઈથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ તેને દેશના અન્ય શહેરોમાં લઈ જવાશે.

CJPએ ચૂંટણી પંચની કામગીરી તથા મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયા સહિતના મુદ્દાઓને લઈને સવાલો ઉઠાવ્યા છે. જ્ઞાનેશ કુમારનું રાજીનામું, SIR પ્રક્રિયા રોકવા સહિતની માંગણીઓ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસે શું કારણ આપ્યું?

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, શિવાજી પાર્ક ખાતે સભા કે પ્રદર્શન માટે મંજૂરી આપવાનો અધિકાર પોલીસ પાસે નથી. પોલીસે બોમ્બે હાઈકોર્ટના 4 જાન્યુઆરી 2013ના PIL સંબંધિત ચુકાદા અને મહારાષ્ટ્ર સરકારના 20 જાન્યુઆરી 2016ના આદેશનો ઉલ્લેખ કર્યો છે.

પોલીસે આયોજકોને મુંબઈમાં કોઈ અન્ય સ્થળ પસંદ કરીને નવેસરથી મંજૂરી માટે અરજી કરવાની સલાહ આપી છે. નવી અરજી મળ્યા બાદ નિયમો અનુસાર તેના પર વિચાર કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ તરફથી શિવાજી પાર્ક રહેણાંક વિસ્તાર અને સાયલન્સ ઝોન હોવા ઉપરાંત અવાજ પ્રદૂષણ, ટ્રાફિકની સમસ્યા અને નજીકની હોસ્પિટલોમાં આવતા-જતા દર્દીઓની અવરજવર પર અસર થવાની શક્યતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હવે 2 ઓક્ટોબરે CJP આગળ કયો કાર્યક્રમ કરે છે અને અન્ય સ્થળે પ્રદર્શન માટે નવી મંજૂરી માંગે છે કે ‘જેલ ભરો આંદોલન’ તરફ આગળ વધે છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિધિ તિવારીનું મોત, ફોન પર વાત બાદ રૂમમાંથી લાશ મળી

Back to top button