અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ખાડારાજ: ચાર વર્ષમાં 50 કરોડનો ખર્ચ છતાં 43 હજારથી વધારે ખાડા

Ahmedabad Municipal Corporation: અમદાવાદમાં વરસાદ પડતા જ રસ્તાઓની હાલત ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. સોમવારે શહેરમાં આશરે ચાર ઇંચ વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારોના રસ્તાઓ પર ખાડા અને તૂટફૂટ જોવા મળતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ-ઈજનેર વિભાગને ફરી પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવાની નોબત આવી છે.

મહત્ત્વની વાત એ છે કે અનેક વિસ્તારોમાં માત્ર એક મહિનાના ગાળામાં બીજી વખત ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવી પડી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં દર ચોમાસે રસ્તાઓની સ્થિતિ બગડતી હોવાથી AMCની રોડ કામગીરીની ગુણવત્તા અને જાળવણીને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

ચાર વર્ષમાં 43,500થી વધુ ખાડા

ઉપલબ્ધ માહિતી મુજબ, છેલ્લા ચાર વર્ષ દરમિયાન અમદાવાદના વિવિધ રસ્તાઓ પર 43,500થી વધુ ખાડા નોંધાયા છે. તેમાં વર્ષ 2023માં સૌથી વધુ 26,432 ખાડા નોંધાયા હતા.

શહેરના તમામ 48 વોર્ડમાં રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવા અને પેચવર્ક માટે છેલ્લા ચાર વર્ષમાં અંદાજે ₹50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

દર વર્ષે પેચવર્ક પાછળ કરોડોનો ખર્ચ

ચોમાસા દરમિયાન તેમજ ચોમાસા બાદ શહેરના સાતેય ઝોનમાં રસ્તાઓ પર પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પાછળ દર વર્ષે અંદાજે ₹5થી ₹7 કરોડનો ખર્ચ કરવામાં આવે છે.

આ ઉપરાંત દરેક ઝોનમાં રોડ ઉપરના ખાડા પૂરવા માટે વાર્ષિક આશરે ₹1 કરોડનો વધારાનો ખર્ચ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળે છે.

આટલો મોટો ખર્ચ થવા છતાં વરસાદની એકાદ ભારે ઝાપટા બાદ રસ્તાઓ પર ફરી ખાડા દેખાવા લાગતા હોવાના કારણે રસ્તાની ગુણવત્તા અને કામગીરીની અસરકારકતા સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.

પાંચ વર્ષમાં 1.53 લાખથી વધુ ફરિયાદો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS પોર્ટલ પર છેલ્લા પાંચ વર્ષમાં રસ્તાઓ સંબંધિત 1.53 લાખથી વધુ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

રસ્તામાં પડેલા ખાડા, તૂટેલા રોડ, પાણી ભરાવું અને અન્ય રોડ સંબંધિત સમસ્યાઓને લઈને નાગરિકો સતત ફરિયાદો નોંધાવતા રહ્યા છે.

ભુવાના સમારકામ પાછળ ₹26 કરોડ

શહેરમાં માત્ર ખાડા જ નહીં, પરંતુ વરસાદ દરમિયાન રસ્તાઓ પર પડતા મોટા ભુવા પણ અમદાવાદીઓ માટે મોટી સમસ્યા બની રહ્યા છે.

માહિતી મુજબ, AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં પડેલા ભુવાઓના સમારકામ પાછળ અત્યાર સુધીમાં આશરે ₹26 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક ભુવાના સમારકામ પાછળ સરેરાશ ₹25 લાખથી ₹50 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે.

સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ બિસ્માર

દર વર્ષે ચોમાસા પહેલાં રોડ રિપેરિંગ, રીસર્ફેસિંગ અને પેચવર્કની કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં સામાન્યથી ભારે વરસાદ પડતાં જ શહેરના અનેક રસ્તાઓ પર ખાડા પડી જવા, ડામર ઊખડી જવા અને રોડ બેસી જવાની ફરિયાદો સામે આવે છે.

વરસાદ દરમિયાન ખાડામાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો માટે જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ઓછા પ્રકાશમાં આવા ખાડા ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કરોડોના ખર્ચ છતાં અમદાવાદીઓની મુશ્કેલી યથાવત

ચાર વર્ષમાં ખાડા પૂરવા પાછળ અંદાજે ₹50 કરોડ અને ભુવાના સમારકામ પાછળ ₹26 કરોડ જેટલો ખર્ચ થયા બાદ પણ અમદાવાદના રસ્તાઓની સમસ્યા યથાવત રહેતાં નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

હવે સવાલ એ છે કે દર વર્ષે કરોડો રૂપિયાનું પેચવર્ક કર્યા બાદ પણ વરસાદ પડતાં રસ્તાઓ ફરી કેમ તૂટી જાય છે? અને અમદાવાદીઓને ખાડા તથા ભુવાની સમસ્યામાંથી કાયમી રાહત ક્યારે મળશે?

આ પણ વાંચો: રીલ જોવામાં બિહારના લોકો નંબર-1, મહારાષ્ટ્ર બીજા નંબરે, જાણો ગુજરાતીઓ કેટલો વાપરે છે ફોન

Back to top button