ગુજરાતટ્રેન્ડિંગ

વટવા GIDCમાં સબસિડીવાળા યુરિયાની કાળાબજારીનો પર્દાફાશ: 857 બોરી ખાતર જપ્ત, 4 સામે કાયદેસરની કાર્યવાહી

અમદાવાદ: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ખેડૂતો માટે સબસિડીવાળા દરે આપવામાં આવતા નીમ કોટેડ યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ અને કાળાબજારીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નાયબ ખેતી નિયામક અને વટવા GIDC પોલીસની સંયુક્ત ટીમે એસ.પી. રિંગ રોડ પર આવેલા શ્રદ્ધા એસ્ટેટમાં દરોડો પાડી 857 બોરી યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ખેડૂતો માટે અનામત અને સબસિડીવાળા દરે મળતું યુરિયા ખાતર ઔદ્યોગિક એકમોમાં ફેક્ટરીના પ્રોસેસિંગ માટે ગેરકાયદેસર રીતે વપરાતું હતું.

25 ઓગસ્ટે પકડાયેલા જથ્થાના રિપોર્ટથી થયો ખુલાસો

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 25 ઓગસ્ટે વટવા GIDC સ્થિત શ્રદ્ધા એસ્ટેટમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પોલીસે ખાતરના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા.

હવે આ સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ સામે આવ્યા બાદ ખાતર ખેતીવાડી માટેનું નીમ કોટેડ યુરિયા હોવાનું પુરવાર થયું છે. ત્યારબાદ પોલીસ અને ખેતીવાડી વિભાગે આ મામલે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ ખરીદનાર અને એક સપ્લાયરનાં નામ સામે આવ્યા

પ્રાથમિક તપાસ દરમિયાન આ જથ્થો મંગાવનાર તરીકે અર્જુનસિંહ સિસોદિયા, હિમાંશુ પટેલ અને અંકિત પટેલનાં નામ સામે આવ્યા છે. જ્યારે ગેરકાયદેસર રીતે ખાતર સપ્લાય કરવાનું નેટવર્ક રાયમલ ભરવાડ નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

તંત્રએ તમામ 857 બોરી ખાતરનો જથ્થો કાયદેસર રીતે સીઝ કરીને જપ્ત કરી લીધો છે.

સબસિડીવાળા ખાતરના ઔદ્યોગિક ઉપયોગ સામે કાર્યવાહી

ખેડૂતોને રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવતું સબસિડીવાળું યુરિયા ઔદ્યોગિક ઉપયોગ માટે વાળવામાં આવતું હોવાની વિગતો સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે સપ્લાયર રાયમલ ભરવાડ સહિત જથ્થો ખરીદનારા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સબસિડીવાળા ખેતી ખાતરની કાળાબજારી અને તેના ગેરકાયદેસર ઔદ્યોગિક ઉપયોગ સામે થયેલી આ કાર્યવાહીને પગલે આવા ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આગામી તપાસમાં ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેને ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવ્યો હતો તે અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: મોદી-પુતિન મુલાકાત પર દુનિયાની નજર: ક્રૂડથી લઈને 75 સુખોઈ-57 સુધી, અનેક મોટા કરારો પર થઈ શકે ચર્ચા

Back to top button