ગુજરાતટ્રેન્ડિંગ

ડીસા-મહેસાણાના બે ગ્રેજ્યુએટ્સ 800 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના માસ્ટરમાઇન્ડ

ગુજરાતના નાના શહેરો ડીસા અને મહેસાણાના બે ઉચ્ચ શિક્ષિત યુવાનોએ પોતાની નોકરીના ઓછા પગારથી અસંતુષ્ટ થઈને વિદેશી ધરતી પરથી 800 કરોડ રૂપિયાથી વધુનું સાયબર ક્રાઇમ નેટવર્ક ચલાવ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ કેસના મુખ્ય આરોપી જતીન ઠક્કર (ઉર્ફે જોન રેપર) અને દીપ ઠક્કર (ઉર્ફે પિકાસો ટાઇસન)ની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

વધુ કમાણીની લાલચમાં જતીન વિદેશ ચાલ્યો ગયો

ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે, કતારગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા 149 બેંક ખાતાઓમાં કુલ ₹800 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હતા, જેની સામે NCCRP પોર્ટલ પર 417 ફરિયાદો પણ નોંધાઈ છે. આ કેસમાં નાસતા-ફરતા જતીન અને દીપ માટે LOC (લુકઆઉટ સર્ક્યુલર) ઇશ્યુ કરવામાં આવી હતી, જેના આધારે તેમની ધરપકડ કરાઈ છે.

DCP બિશાખા જૈને જણાવ્યું હતું કે જતીન ઠક્કર બી.ઈ. મિકેનિકલ અને દીપ ઠક્કર બી.કોમ.નો અભ્યાસ પૂરો કરી ચૂક્યા હતા. જતીન ગોવામાં એક ગેમિંગ કંપનીમાં માસિક 35 હજારના પગારે નોકરી કરતો હતો, પરંતુ ચાર જ મહિનામાં તેને લાગ્યું કે પોતાની લાયકાત મુજબ પગાર ખૂબ ઓછો છે. આ દરમિયાન તે ગોવાના કેસિનોમાં કામ કરતા માઇકલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો અને બેંગકોકમાં ‘ગેમિંગ ફંડ ટ્રાન્સફર’નું વધુ કમાણીવાળું કામ મળવાની લાલચમાં વિદેશ ચાલ્યો ગયો. શરૂઆતમાં ત્યાં તેને 50 હજાર અને પછી 1 લાખ માસિક મળવા લાગ્યા.

50 જેટલી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવતા

આ યુવાનો બેંગકોક અને વિયેતનામ ખાતેથી લગભગ 50 જેટલી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવતા હતા, જેને મ્યુલ બેંક ખાતાં અને હવાલાના માધ્યમથી વિદેશ મોકલીને આખા નેક્સસને ઓપરેટ કરતા હતા, જેમાં જીતનારા લોકોને પણ છેતરપિંડીના પૈસામાંથી જ ચુકવણી કરવામાં આવતી હતી.

જતીનનું મુખ્ય કામ બેંગકોક તથા વિયેતનામ ખાતે રહીને BIG IDEA, OPS, DAFA, PARIMATCH, NETL, 10 C, HRB, VRB, DRB, ANNA, 777, TENGO, TRUE, 99, AIR, ORIENT, WIZ45 વગેરે જેવી લગભગ 50 ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવવાનું હતું. આ ફંડને એક પ્લેટફોર્મ દ્વારા જુદાં જુદાં મ્યુલ બેંક ખાતાંમાં ટ્રાન્સફર કરવાનું અને એેના હિસાબો રાખવાનું હતું. દીપકુમાર આ ટ્રાન્સફર માટે ડેટા એન્ટ્રીનું કામ સંભાળતો હતો.

આ ગેંગ સમગ્ર ફાઇનાન્સિયલ મોડ્યુલને ત્રણ જટિલ લેયરમાં ઓપરેટ કરતી હતી:

પ્રથમ લેયર (મર્ચન્ટ): 50 ગેમિંગ/બેટિંગ વેબસાઈટ્સ દ્વારા કસ્ટમરોને આકર્ષવા.

બીજું લેયર (એકાઉન્ટન્ટ અને મ્યુલ બેંક એકાઉન્ટ): જતીન ઠક્કર ડમી નામોવાળા મ્યુલ બેંક એકાઉન્ટ્સ (જે ‘બ્રાન્ચવાળા’ પૂરા પાડતા) માં નાની નાની રકમ ટ્રાન્સફર કરાવતો. દીપ ઠક્કર ડેટા એન્ટ્રીનું કામ સંભાળતો હતો.

ત્રીજું લેયર (હવાલા અને વિદેશી ટ્રાન્સફર): તમામ મ્યુલ એકાઉન્ટ્સમાંથી એકત્ર થયેલી રકમને હવાલાના માધ્યમથી ભારત બહાર મોકલી અપાતી.

આશ્ચર્યજનક બાબત એ છે કે, ગેમિંગમાં જીતનારા લોકોને ચૂકવણી કરવા માટે પણ આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલા પૈસાનો જ ઉપયોગ કરતા.

પોલીસે નેટવર્કનો પર્દાફાશ કર્યો

પોલીસે 149 મ્યુલ ખાતાઓમાં થયેલા કુલ 800 કરોડના ટ્રાન્ઝેક્શન અને NCCRP પોર્ટલ પર નોંધાયેલી 417 ફરિયાદોના આધારે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો. આરોપીઓ વોટ્સએપ પર ‘જોન રેપર’ અને ‘પિકાસો ટાઇસન’ જેવા કોડનેમ વાપરતા હતા જેથી તેમની અસલી ઓળખ છુપાઈ રહે. હાલ આ કેસની વધુ તપાસ ચાલુ છે અને વિદેશી કનેક્શન તપાસાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 17 લાખ મૃત મતદારો મતદાર યાદીમાં જીવીત મળ્યા, SIR માં મોટો ખુલાસો

Back to top button