ગુજરાત: રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કયો હવાલો મળ્યો

- રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા
- મુખ્યમંત્રીની દિલ્હીની મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થઇ ગયો
- અગાઉ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના કે. ખંધાર, આઈએએસની બદલી કરીને તેમની નિમણૂક અગ્ર સચિવ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તરીકે કરવામાં આવી છે. આ જગ્યાએ અગાઉ રમેશચંદ મીણા, આઈએએસ ફરજ બજાવતા હતા, જેમની બદલી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીની દિલ્હીની મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થઇ ગયો
મુખ્યમંત્રીની દિલ્હીની મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થઇ ગયો છે. મોડીરાત્રે ત્રણ સચિવોની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરતા ત્રણ IAS અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓમાં મોના ખંધાર, પી. ભારતી અને રમેશ મીણાનો સમાવેશ થાય છે. મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે પી. ભારતી હવે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. તો બીજી તરફ રમેશ મીણાની પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
અગાઉ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું
આ બદલીઓને વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને વિવિધ વિભાગોમાં નવા નેતૃત્વ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતપોતાના નવા પદનો કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે 17 જૂન, 2025ના રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ બદલીઓમાં અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
આ પણ વાંચો: ગુજરાત: સિંહબાળના મૃત્યુ વિવાદ વચ્ચે રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો












