બિઝનેસ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર નિકાસ ડ્યુટીમાં ધરખમ વધારો

Government Hikes Export Duty On Diesel To ATF: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય સંકટ અને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં ઈંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે સોમવારે મોડી રાત્રે એક ગેઝેટ નોટિફિકેશન જારી કરીને ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની નિકાસ (એક્સપોર્ટ) પરની ડ્યુટીમાં મોટો વધારો ઝીંકી દીધો છે. મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, આ નવા સુધારેલા દરો મંગળવારથી જ દેશભરમાં અમલી બની ગયા છે.

નિકાસ ડ્યુટીના નવા દર અને સરકારનો ઉદ્દેશ્ય

નવા સત્તાવાર જાહેરનામા મુજબ, હવેથી ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર ₹14 અને વિમાનના ઈંધણ એટલે કે ATF પર પ્રતિ લિટર ₹12.5 સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) અને સેસ વસૂલવામાં આવશે. જોકે, સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી અને સ્થાનિક વપરાશ માટેના પેટ્રોલ-ડીઝલ પરની હાલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે યથાવત રાખવામાં આવી છે. દર પખવાડિયે થતી આ સમીક્ષાનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે ઈંધણની અછત સર્જાતી અટકાવવાનો છે.

દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો: સમસ્યા પુરવઠાની નહીં, વપરાશની પેટર્નની

બીજી તરફ, આંતર-મંત્રીમંડળીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG નો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે. દેશની તમામ રિફાઇનરીઓ પોતાની પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે ઉમેર્યું કે સમસ્યા પુરવઠાની નથી, પરંતુ વપરાશની બદલાયેલી પેટર્નની છે. મે મહિના દરમિયાન અંદાજે 420 મિલિયન લિટર ડીઝલ, જે સામાન્ય રીતે જથ્થાબંધ (બલ્ક) ગ્રાહકો ખરીદતા હતા, તે રિટેલ આઉટલેટ્સ તરફ વળી ગયું હતું, જેના કારણે સામાન્ય પેટ્રોલ પંપ પર અણધાર્યું દબાણ અને ભીડ વધી ગઈ છે.

સામાન્ય ગ્રાહકોની સુવિધા માટે ડિઝલના વેચાણ પર મર્યાદા

સામાન્ય જનતા અને વાહનચાલકોને કોઈ અસુવિધા ન થાય તે માટે સરકારે ૧૧ જૂનથી એક અસ્થાયી વ્યવસ્થા લાગુ કરી છે. આ અંતર્ગત રિટેલ પેટ્રોલ પંપ પરથી પ્રતિ વ્યક્તિ દૈનિક માત્ર 200 લિટર ડીઝલના વેચાણની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મોટા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને રિટેલ પંપ પર ભીડ કરવાને બદલે સીધા તેમના ગ્રાહક પંપ (કન્ઝ્યુમર પંપ) પરથી જ જથ્થાબંધ ખરીદી કરવાનો કડક નિર્દેશ અપાયો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નિયંત્રણો આગામી 90 દિવસ માટે કામચલાઉ ધોરણે લાદવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ચીનને ઝટકો : રેર અર્થ્સ મેગ્નેટનું હબ બનશે ભારત, જાપાન સાથે કરી મોટી ડીલ

Back to top button