Goldman Sachsએ બ્રિટનના પૂર્વ પીએમ ઋષિ સુનકને બનાવ્યા વરિષ્ઠ સલાહકાર, વૈશ્વિક સ્તરે ગ્રાહકોને આપશે સલાહ

ન્યુયોર્ક, 9 જુલાઇ, 2025: ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક કંપનીમાં વરિષ્ઠ સલાહકાર તરીકે જોડાયા છે એમ Goldman Sachs ગ્રુપ ઇન્ક.એ જણાવ્યું છે. સુનક ઓક્ટોબર 2022થી જુલાઈ 2024 સુધી વડા પ્રધાન હતા.
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ડેવિડ સોલોમને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુનક ન્યુયોર્ક સ્થિત Goldman Sachsના નેતૃત્વ સાથે કામ કરશે અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને અનેક વિષયો પર સલાહ આપશે. તેઓ મેક્રોઇકોનોમિક અને જિયો-પોલીટીકલ લેન્ડસ્કેપ પર પોતાનો અનોખો દ્રષ્ટિકોણ અને કોઠાસૂઝ શેર કરશે.
વડા પ્રધાન બનતા પહેલા, ઋષિ સુનક ફેબ્રુઆરી 2020થી જુલાઈ 2022 સુધી યુકેના નાણાં પ્રધાન (એક્સચેકરના ચાન્સેલર) હતા. આ પહેલા, તેઓ ટ્રેઝરી વિભાગમાં મુખ્ય સચિવ અને હાઉસિંગ, સમુદાયો અને સ્થાનિક સરકારમાં સંસદીય અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે 2015માં સંસદ સભ્ય બનીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
ગયા વર્ષની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સૌથી મોટી હાર છતાં, સુનક હજુ પણ ઉત્તર ઇંગ્લેન્ડના રિચમંડ અને નોર્થલર્ટન મતવિસ્તાર માટે સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે મતદાનના પરિણામને ધ્યાનમાં લીધા વિના, સંસદના આગામી પૂર્ણ કાર્યકાળ માટે સાંસદ રહેવાનું વચન આપ્યું હતું.
સુનકે પહેલા 2000માં Goldman Sachsમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગમાં સમર ઇન્ટર્ન તરીકે અને પછી 2001થી 2004 સુધી એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતુ. બાદમાં તેમણે એક રોકાણ પેઢીની સહ-સ્થાપના કરી જે આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કામ કરતી હતી.
આ પણ વાંચોઃ શું છે TikTok M2 એપ?, ભારતમાં લેશે એન્ટ્રી!












