ગુજરાતટોપ ન્યૂઝ

કપાસની આડમાં ગાંજાનું વાવેતર: સુરેન્દ્રનગરમાં ₹2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ

ગુજરાત: સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ખીટલા ગામે કપાસના ખેતરની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરનાર આરોપીને SOGએ ઝડપી પાડ્યો છે. પોલીસે 12 ફૂટ ઊંચા 180 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું કુલ વજન 559 કિલો 700 ગ્રામ અને બજારકિંમત આશરે ₹2.80 કરોડ આંકવામાં આવી છે.

SOGની ટીમે સફળ રેડ કરી

SOGના PSI આર.જે. ગોહિલને બાતમી મળી હતી કે, ખીટલા ગામના રાજુભાઈ ખવડે પોતાના ખેતરમાં કપાસની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું છે. બાતમીના આધારે SOGની ટીમે સતત 19 કલાકની મશ્ક્કતભરી કાર્યવાહી કરી છોડ ઉખાડ્યા. છોડ ઊંચા અને વધુ હોવાથી GRDના ડઝનેક જવાનોની મદદ લેવામાં આવી.

છોડ પર મધમાખીઓના મધપૂડા

ખાસ વાત એ કે કેટલાક છોડ પર મધમાખીઓના મધપૂડા બેસી ગયા હતા. પોલીસે ધુમાડો કરીને મધમાખીઓને ઉડાડી પછી જ છોડ કબજે કર્યા. ગાંજાનો મુદ્દામાલ એટલો બધો હતો કે ભરવામાં કોથળા ખૂટી પડ્યા, એટલે 15×20 ફૂટના પ્લાસ્ટિકના કંતાનમાં સીલિંગ કરીને એક આખું ટ્રેક્ટર ભરીને માલ સ્ટેશને લાવવામાં આવ્યો. હાલ આરોપી રાજુ ખવડની ધરપકડ કરી ધજાળા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

DYSP પાર્થ પરમારે જણાવ્યું કે, આ પ્રકારનું મોટું વાવેતર અગાઉ ભાગ્યે જ જોવા મળ્યું છે. SOGની ટીમે સફળ રેડ કરીને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વાવેતર સામે પોલીસની સખ્તાઈ ફરી એકવાર સામે આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક, કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો

Back to top button