ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર: પેથાપુરમાં સરકારી જમીન પરની વક્ફ બોર્ડ રજિસ્ટર્ડ બે દરગાહ તોડી પડાઈ

ગાંધીનગર, તા. 17 નવેમ્બરઃ પાટનગરને દબાણમુક્ત કરવા માટે  મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે. વહીવટીતંત્રએ ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો સામે કડક પગલાં લીધાં હતા. પ્રશાસને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવેલી વક્ફ બોર્ડમાં નોંધાયેલી એક મોટી અને એક નાની દરગાહને તોડી પાડી હતી.

આ કાર્યવાહી માત્ર દરગાહ પૂરતી સીમિત નથી, પરંતુ શહેરના સેક્ટર 1 થી 30 માં આવેલા 1400 થી વધુ ગેરકાયદેસર ઘરો અને ઝૂંપડાં પર પણ બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દબાણકર્તાઓને અગાઉ નોટિસો આપવામાં આવી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતાં કે દબાણ દૂર ન થતાં આખરે તંત્રે તોડી પાડવાનું નક્કી કર્યું હતું. આ મેગા ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 150 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બીજી તરફ, આ વિસ્તારોમાં વર્ષોથી રહેતા લોકોમાં તંત્રની આ કાર્યવાહીને લઈને નારાજગી જોવા મળી હતી. રહેવાસીઓનું કહેવું છે કે તેમને હટાવતા પહેલા તંત્રએ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. જોકે, તંત્ર દ્વારા આ દબાણ હટાવ ઝુંબેશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો હટાવવાની તૈયારી ચાલી રહી છે. આમાં ઘ-7 સર્કલ પાસે, પ્રેસ સર્કલ નજીક અને સેક્ટર-24 ખાતે આવેલા 300 થી વધુ ગેરકાયદેસર દબાણોનો સમાવેશ થાય છે. અગાઉ પણ તંત્રે ચરેડી ફાટકથી GEB તરફના માર્ગ પર અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાં તોડી પાડ્યા હતા.

Back to top button