ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગંભીરા પુલ દુર્ઘટનાઃ સરકારે કેટલા ઈજનેરને કર્યા ફરજમોકૂફ? જાણો

ગાંધીનગર, તા. 10 જુલાઈ, 2025: વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યપ્રધાન દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.

મુખ્યપ્રધાને નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા – કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર, આર.ટી.પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ – મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યપ્રધાને આપી હતી.

આ પણ વાંચોઃ એમબીએ માટે 20 લાખ ખર્ચ્યા બાદ મળે છે માત્ર 25 હજાર પગાર, જાણો બિઝનેસ સ્કૂલોની આવી કેમ થઈ હાલત

Back to top button