ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

આજથી આ રાજ્યમાં આવા વાહનોને નહીં મળે ઇંધણ

દિલ્હી, 1 જુલાઇ, 2025: દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ રોકવાની દિશામાં મોટુ પગલું ઉઠાવ્યું છે. જેના ભાગરૂપે 1 જુલાઇ 2025થી રાજધાનીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને હવે કોઇ પણ પેટ્રોલ પંપ પર ઇંધણ મળશે નહીં.

આ સખત પગલુ No Fuel for Old Vehicles નીતિ હેઠળ ઉઠાવવામાં આવ્યુ છે. આ નિયમથી સૌથી વધુ એવા વાહનોને અસર થશે જે 2009માં પહેલા રજિસ્ટર થયા છે.

શું છે નિયમ?

દિલ્હી સરકારના નવા નિયમ મુજબ, 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને CNG વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને હવે “એન્ડ-ઓફ-લાઇફ (EOL) વાહનો” ગણવામાં આવશે. આવા બધા વાહનો હવે દિલ્હીના કોઈપણ ઇંધણ સ્ટેશનમાંથી પેટ્રોલ, ડીઝલ અથવા CNG ભરી શકશે નહીં.

આ વાહનો કેવી રીતે ઓળખાશે?

આ જૂના વાહનોને ઓળખવા માટે, રાજધાનીના તમામ પેટ્રોલ પંપ પર ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જે નંબર પ્લેટ સ્કેન કરશે અને વાહન કેટલું જૂનું છે તે શોધી કાઢશે. જો કોઈ વાહન નિર્ધારિત સમય મર્યાદા કરતાં જૂનું હોવાનું જાણવા મળે છે, તો ઇંધણ સ્ટેશન એટેન્ડન્ટ તેને ઇંધણ આપવાનો ઇનકાર કરશે.

પંપ ઓપરેટરો માટે માર્ગદર્શિકા

સરકારે આ નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે તમામ પેટ્રોલ પંપ ઓપરેટરોને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરી છે. આ હેઠળ, વાહન માલિકો આ નિયમ વિશે સ્પષ્ટ માહિતી મેળવી શકે તે માટે બધા ઇંધણ સ્ટેશનો પર મોટા સાઇન બોર્ડ લગાવવામાં આવશે. ઉપરાંત, કર્મચારીઓને જૂના વાહનો ઓળખવા માટે તાલીમ આપવામાં આવશે અને જે વાહનોને ઇંધણ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો તેમની લોગબુક તૈયાર કરવામાં આવશે.

જો નિયમનું પાલન નહીં કરવામાં આવે તો શું થશે?

જો કોઈ પણ ફ્યુઅલ સ્ટેશન પર આ નિયમનું પાલન નહીં થાય, તો ત્યાં ઊભેલા જૂના વાહનો જપ્ત થઇ શકે છે અને મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ પેટ્રોલ પંપ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારનો હેતુ શું છે?

સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીની ઝેરી હવાને સાફ કરવાનો છે. જૂના વાહનોને પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને આ નીતિ દ્વારા, આવા વાહનોને રસ્તાઓ પરથી દૂર કરીને, શહેરની હવાને સ્વચ્છ બનાવવામાં આવશે અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં આવશે. આ નિયમથી સૌથી વધુ અસર તે વાહનો પર થશે જે 2009 પહેલા નોંધાયેલા છે. આમાં તમામ પ્રકારના ડીઝલ, પેટ્રોલ અને CNG વાહનોનો સમાવેશ થાય છે. આ વાહનોને હવે દિલ્હી RTO દ્વારા EOL જાહેર કરવામાં આવશે અને તેમના માટે દિલ્હીના રસ્તાઓ પર દોડવા અથવા ઇંધણ ભરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચોઃ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બજારમાંથી લેશે ઋણ, ગુજરાત રૂ. 1,000 કરોડ ઊભા કરશે

Back to top button