ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

માફી માંગ્યા બાદ પણ વધી રણવીર સિંહની મુશ્કેલી, કાંતારા ફિલ્મની મિમિક્રી વિવાદ મામલે FIR દાખલ

મુંબઈઃ 3 ડિસેમ્બર, 2025: Ranveer Singh Controversy: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ મોટી મુશ્કેલીમાં ફસાયો છે. તેણે સાઉથ સ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ પર એક ફિલ્મ ફેસ્ટિવલમાં કમેન્ટ કરી હતી, જેમાં દૈવ ચામુંડેશ્વરીનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. રણવીરે આ પાત્રનો કથિત રીતે મજાક ઉડાવ્યો હતો. આ મજાક માટે તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો અને સોશિયલ મીડિયા દ્વારા તેણે માફી પણ માંગી, પરંતુ તેની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી.

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, દૈવી પરંપરાનું અપમાન કરવા અને હિન્દુ માન્યતાઓનો ઉપહાસ કરવા બદલ પ્રશાંત મેથલ નામના વકીલે રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ

એડવોકેટ પ્રશાંત મેથલે બેંગલુરુના હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 299, 302 તથા 196 હેઠળ એક્ટર રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, રણવીર સિંહના કૃત્યથી તેમની તથા લાખો-કરોડો હિન્દુઓ, ખાસ કરીને કર્ણાટકના તુલુ ભાષી સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચી છે.

દૈવ પરંપરાનું અપમાન કરવાનો આરોપ

ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 28 નવેમ્બરે ગોવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) ના સમાપન સમારોહમાં રણવીર સિંહે ફિલ્મ ‘કાંતારા’માં બતાવેલી પવિત્ર દૈવ (ભૂતકોલા) પરંપરાની જાહેરમાં મજાક ઉડાવી અપમાન કર્યું હતું. મંચ પર રણવીર સિંહે તટીય કર્ણાટકમાં પૂજાતા પવિત્ર પંજુરલી/ગુલિગા દૈવની દિવ્ય ભાવ-ભંગિમાઓની નકલ અશ્લીલ, અપમાનજનક અને હાસ્યાસ્પદ રીતે કરી. તેણે પવિત્ર દૈવને મૌખિક રીતે ‘ભૂત’ કહ્યા, જ્યારે અમારી સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતામાં દૈવ કોઈ ભૂત નહીં, પણ પૂજનીય દેવતા/અર્ધદેવતા છે. આરોપી એક જાહેર હસ્તી છે અને આ પ્રકારનું કૃત્ય કરીને તેણે તુલુ પરંપરાઓની ગહન આધ્યાત્મિક માન્યતાઓનો ઉપહાસ કર્યો છે. આ વીડિયો વાઈરલ થયો છે, જેનાથી દૈવ ભક્તો અને સામાન્ય જનતામાં ગંભીર માનસિક પીડા, આક્રોશ અને અસંતોષ ફેલાયો છે.

FIR દાખલ કરવાની માંગ

વકીલ પ્રશાંતે રણવીર સિંહ વિરુદ્ધ BNSની કલમ 299 (ધાર્મિક ભાવનાઓ આહત કરવી), કલમ 302 (ધાર્મિક ભાવનાઓ આહત કરવાના સ્પષ્ટ ઇરાદાથી શબ્દો કે ઇશારા કરવા), કલમ 196 (વિવિધ સમૂહોમાં શત્રુતા વધારવી) અને કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી અપમાન કરવું) હેઠળ FIR દાખલ કરીને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રણવીર સિંહ માફી માંગી ચૂક્યા છે

વિવાદોમાં ઘેરાયા પછી રણવીર સિંહે સાર્વજનિક રીતે પોતાના મજાક માટે માફી માંગી હતી. તેણે ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે, “હું ફિલ્મમાં ઋષભ શેટ્ટીના જબરદસ્ત પરફોર્મન્સના વખાણ કરી રહ્યો હતો. હું મારા દેશની તમામ પરંપરાઓ અને સંસ્કૃતિનું સન્માન કરું છું, પરંતુ જો મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય, તો તેના માટે હું દિલથી માફી માંગું છું.’

Back to top button