‘જો સ્પેન વર્લ્ડ કપ જીતશે, તો હું નિવૃત્તિ લઈશ’, સ્ટાર ડિફેન્ડર માર્ક કુક્યુરેલાનું ચોંકાવનારું નિવેદન
FIFA World Cup 2026 Final: ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા સ્પેનના સ્ટાર ડિફેન્ડર માર્ક કુક્યુરેલાએ એક અત્યંત આશ્ચર્યજનક અને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે જો સ્પેન રવિવારે રમાનારી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને હરાવીને વર્લ્ડ કપ ટાઇટલ જીતશે, તો તેઓ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે. કુક્યુરેલાએ સ્પષ્ટ કર્યું કે યુરોપિયન ચેમ્પિયનશિપ (યુરો કપ) અને વર્લ્ડ કપ બંને જીત્યા પછી, એક ખેલાડી તરીકે તેમના માટે મેળવવાનું કંઈ બાકી રહેશે નહીં. તેથી તેઓ બીજા જ દિવસે કોચ લુઈસ ડે લા ફુએન્ટેને ફોન કરીને નિવૃત્તિની જાણ કરી દેશે.
સ્પેનની મજબૂત રક્ષણ પંક્તિ અને ફાઇનલ સુધીની સફર
માર્ક કુક્યુરેલા આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સ્પેનની ટીમ માટે દીવાલ સમાન સાબિત થયા છે અને શાનદાર ફોર્મમાં રહ્યા છે. તેમણે ટીમની તમામ મેચોમાં પૂરી 90 મિનિટ રમીને સ્પેનના મજબૂત ડિફેન્સનું સફળ નેતૃત્વ કર્યું છે. સ્પેનની ડિફેન્સિવ તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે રમેલી 7 મેચોમાં વિરોધી ટીમોને માત્ર 1 જ ગોલ કરવા દીધો છે. સ્પેનની આ સફર કેપ વર્ડે સામે ગોલરહિત ડ્રોથી શરૂ થઈ હતી, પરંતુ ત્યારબાદ ટીમે સતત 6 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. નોકઆઉટ સ્ટેજમાં સ્પેને ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, બેલ્જિયમ અને ફ્રાન્સ જેવી મજબૂત ટીમોને પરાજય આપ્યો છે. વર્ષ 2010 પછી સ્પેન પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોચના માનમાં બાયસેપ પર ટેટૂ કરાવવાનું અનોખું વચન
નિવૃત્તિની જાહેરાત ઉપરાંત કુક્યુરેલાએ અન્ય એક રસપ્રદ વચન પણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે જો તેમની ટીમ ચેમ્પિયન બનશે, તો તેઓ પોતાના બાયસેપ પર મુખ્ય કોચ લુઈસ ડે લા ફુએન્ટેના ચહેરાનું એક નાનું ટેટૂ કરાવશે.
આર્જેન્ટિના સામે મહામુકાબલો: ઇતિહાસ રચવાની તક
વર્લ્ડ કપની ફાઇનલમાં હવે સ્પેન સામે લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ વાળી ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સૌથી મોટો પડકાર છે. આર્જેન્ટિના સતત બીજી વખત ટાઇટલ જીતવા મેદાનમાં ઉતરશે, જ્યારે સ્પેન વર્ષ 2010 બાદ પોતાના બીજા વર્લ્ડ કપ ટાઇટલની શોધમાં છે. જો સ્પેન આ ઇતિહાસ રચશે, તો આ હાઈવોલ્ટેજ મેચ કુક્યુરેલાની આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી મેચ બની જશે.












