ખંડણીખોર કીર્તિ પટેલ જેલ ભેગી: પોલીસના કબજામાં છતાં બોલી-વીડિયો ટકાટક બનાવો

સુરત, ૧૯ જૂન, ૨૦૨૫: ખંડણીખોર કીર્તિ પટેલ ફરી વાર પોલીસના સકંજામાં આવી. પરંતુ તેમ છતાં કીર્તિ પટેલનો કાયદા-પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોલીસ પકડમાં પણ તે હસતી જોવા મળી હતી. વિવાદોનું કેન્દ્ર બનેલી કીર્તિ પટેલ પોલીસ કસ્ટડીમાં પણ બેખોફ થઈ પોલીસને ચેલેન્જ આપતી હોય તેમ તેનાં ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સો.મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઇ હતી. જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. છેલ્લા 10 મહિનાથી નાસતીફરતી કીર્તિ પટેલને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી છે.
કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલને સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કીર્તિ પટેલની ફરી એકવાર જેલ એન્ટ્રી થઈ છે.
સોશિયલ મીડિયા પર ગાળો ભાંડવા માટે કુખ્યાત એવી કીર્તિ પોલીસથી બચવા ગુજરાતનાં અલગ અલગ સ્થળો પર જતી હતી અને ફોનનું આઇપી એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી. આ સાથે ફોન સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કર્યા કરતી હતી. કીર્તિ પટેલ વિરુદ્ધ મારામારી, હનીટ્રેપ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુના નોંધાયેલા છે.
જ્યારે કીર્તિ પટેલને પોલીસ લઈને આવતી હતી ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. આ સાથે જ વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં બોલી રહી હતી અને સતત હસતી રહી હતી.











