Explainer : મીઠાશ, નોસ્ટાલ્જિયા અને ઈમોશન, વાંચો ‘Melodi’ ટોફીની રોચક કહાની

The Nostalgic Journey of Melody Chocolate: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન એક ખૂબ જ રસપ્રદ અને રમુજી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને પારલે મેલોડી ચોકલેટનું પેકેટ ભેટમાં આપ્યું હતું, જેનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પોતે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે.
Melodyનો અર્થ શું થાય છે?
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયામાં Melody શબ્દ વાસ્તવમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની અટકને જોડીને બનાવવામાં આવ્યો છે: Meloni + Modi = Melodi. આ વર્ડ મેલોનીએ ટ્વિટર પર હેશ ટેગ #melodi બનાવતા પ્રચલિત બન્યો હતો.
પીએમ મેલોનીએ સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો
ગયા વર્ષે બંને નેતાઓ મળ્યા ત્યારે આ શબ્દ સૌપ્રથમ ટ્રેન્ડમાં આવ્યો હતો. તે સમયે પીએમ મેલોનીએ પોતે એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું, હેલો ફ્રોમ મેલોડી ટીમ. સોશિયલ મીડિયા યુઝર્સે તેમની રાજદ્વારી મિત્રતાને ‘મેલોડી’ ગણાવી હતી. હવે પીએમ મોદીએ આ ગ્લોબલ સોશિયલ મીડિયા ટ્રેન્ડનો જવાબ ખરેખર રમુજી અને રીતે આપ્યો છે, તેમને સાચુકડી મેલોડી કેન્ડી ભેટ આપીને. જયારે આ મેલોડી આટલી ટ્રેન્ડ થઈ રહી છે ત્યારે તેના વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. મેલોડી 80-90ના દાયકાના બાળકોનો પ્રેમ છે.

મેલોડી ઈતની ચોકલેટી ક્યોં હે?
મેલોડી ઈતની ચોકલેટી ક્યોં હે? આ એક એવો પ્રશ્ન છે જે આજે પણ દરેક ભારતીયની જીભે છે. આ ચોકલેટી ટોફી ખાધા પછી આનો જવાબ મળી જાય છે. આ ફક્ત ટોફી નથી, 80 અને 90 ના દાયકાના બાળકોના ઈમોશન્સ છે, જે હજુ પણ તેમના હૃદયમાં ક્યાંકને ક્યાંક વસે છે. હવે આ ટોફી ઇટાલી પહોંચી ગઈ છે અને ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે.
મેલોડી નહીં, બાળકોના ઈમોશન્સ
ગોલ્ડન અને બ્રાઉન રેપર વાળી આ ચોકલેટી ટોફી એટલી સ્વાદિષ્ટ લાગે છે કે તે તમારા મોંમાં ઓગળી જાય છે. મેલોડી ફક્ત એક ટોફી નથી, તે 80 ના દાયકાના બાળકો માટે એક ઈમોશન છે. 80 ના દાયકામાં આ ટોફી તેની ઊંચી કિંમતને કારણે સામાન્ય બાળકોની પહોંચની બહાર હતી. બાળકો તેને દરરોજ ખરીદી શકતા ન હતા.
મેલોડી ચોકલેટ ક્યારે લોન્ચ થઈ હતી?
મેલોડી ચોકલેટ એ પારલેની એક સબ-બ્રાન્ડ છે. પારલેએ આ ટોફી 1983 માં લોન્ચ કરી હતી. આ સોફ્ટ ટોફી બનાવવા પાછળ પારલેનો હેતુ બાળકોને ખૂબ જ સસ્તા ભાવે વાસ્તવિક ચોકલેટનો સ્વાદ આપવાનો હતો. આજે આ ટોફી 1 રૂપિયામાં છૂટક વેચાણ માટે ઉપલબ્ધ છે. મેલોડીની ટેગલાઇન ‘મેલોડી ઈતની ચોકલેટી કયોં હે?’ આજે પણ દરેકના હોઠ પર છે. આજના બાળકો કદાચ આ જાણતા નહીં હોય, પરંતુ 1980 અને 90 ના દાયકામાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે મેલોડીની મેડનેસને અનુભવી ન હોય.

મેલોડી ખાવ ખુદ જાન જાવ
મેલોડી ટોફીની જાહેરાત ખૂબ જ લોકપ્રિય બની હતી. તેની ખુબીને જણાવવાને બદલે ગ્રાહકોને પૂછવામાં આવ્યું હતું કે મેલોડી ઈતની ચોકલેટી ક્યું હે, પછી, જાહેરાતના અંતે એક અધૂરો જવાબ આપવામાં આવ્યો, મેલોડી ખાઓ, ખુદ જાન જાવ. આ વિચાર લોકોમાં તેના સ્વાદ વિશે જિજ્ઞાસા પેદા કરવાનો હતો. આ કારણે લોકો તે ચોકલેટ ખરીદવા અને ખરેખર તો તે સમયના બાળકો માટે તો આ જન્નત હતી. મેલોડી ટોફી હાથમાં આવતા જ બાળકોના ચહેરા પર જબરજસ્ત ખુશી જોવા મળતી. કંપનીની આ ફોર્મ્યુલા સુપરહિટ સાબિત થઈ અને નાના અને મોટા બધાએ મેલોડી ટોફી ખરીદી અને તેની ચોકલેટી મીઠાશનો આનંદ માણ્યો. મેલોડીની આ ટેગલાઈન દાયકાઓ બાદ પણ સૌથી યાદગાર જાહેરાતોમાં સામેલ છે. આ ક્લાસિક ડાયલોગનો ઉપયોગ વર્ષ 2019માં આવેલી સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેમાં પણ કરવામાં આવ્યો. આજે ભલે સેંકડો પ્રકારની નવી ટોફી અને ચોકલેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ પારલેની મેલોડી તેની ખાસ બનાવટ, ચોકલેટી સ્વાદ, ઉત્તમ ખુશ્બુ અને જુની લાગણીઓના કારણે કરોડોના દિલમાં પોતાની જગ્યા બનાવીને બેઠી છે.

કરિયાણાની દુકાનોમાં કાચની બોટલોમાં રખાતી મેલોડી
એક સમય હતો જ્યારે દરેક કરિયાણાની દુકાનમાં મેલોડી ટોફીથી ભરેલી મોટી કાચની બોટલ આગળ જ રહેતી હતી. શાળામાં જન્મદિવસ ઉજવતા બાળકો આ ટોફી વહેંચતા અને બીજા બાળકોના ચહેરા પર તે ખુશી લાવતી. બહારથી કેરેમલ અને અંદરથી ચોકલેટથી ભરેલી આ કેન્ડી દાયકાઓ પછી પણ લોકપ્રિય છે. 1980ના દાયકામાં ટોફી અને કેન્ડીનું બજાર તેજીમાં હતું. તે સમયે કેડબરીની એક્લેયર્સ બજારમાં લોકપ્રિય હતી. તેની વચ્ચે પારલેએ મેલોડી નામની ટોફી લોન્ચ કરી. આ ખ્યાલ કંઈક અંશે સમાન હતો, બહારથી કેરેમલ અને અંદરથી ચોકલેટ, પરંતુ પારલે તેને અલગ ઓળખ આપવા ઈચ્છતી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોણે આપી હતી આ ટેગલાઈન?
તે સમયે પારલેની એડ એજન્સી એવરેસ્ટને આ જવાબદારી સોંપાઈ હતી કે મેલોડીને બાકી ટોફી કરતા અલગ કઈ રીતે દેખાડવી. આ દરમિયાન જન્મ થયો એ લાઈનનો જે આજે પણ લોકમુખે છે. મેલોડી ઈતની ચોકલેટી ક્યું હે, મેલોડી ખાવ ખુદ જાન જાવ. બસ આ એક લાઈને મેલોડીની કિસ્મત બદલી નાંખી. આ ટેગલાઈનને કોપીરાઈટર સુલેખા બાજપેઈએ લખી હતી. મેલોડી હે ચોકલેટી વાળું જિંગલ પણ લોકોના મગજમાં વસી ગયું. પારલેનો હેતુ જિજ્ઞાસા પેદા કરવાનો હતો કે મેલોડીમાં આખરે શું છે. બસ આ જ ટેગલાઈન લોકોના મગજમાં વસી ગઈ અને મેલોડી બાળકોથી લઈને યુવાનોની પસંદ બની ગઈ.
પારલેની સ્થાપનાનો ઈતિહાસ
પારલે પ્રોડક્ટ્સની સ્થાપના 97 વર્ષ પહેલાં મુંબઈમાં થઈ હતી અને શરૂઆતમાં તેનું નામ હાઉસ ઓફ પારલે રાખવામાં આવ્યું હતું. આજે કંપની 21 થી વધુ દેશોમાં તેના ઉત્પાદનો વેચે છે અને ભારતમાં 125થી વધુ ફેક્ટરીઓ ધરાવે છે. મોહનલાલ દયાલ તેની સ્થાપના કેન્ડી બનાવવા માટે કરી હતી. 1939 માં કંપનીએ પારલે ગ્લુકો નામથી બિસ્કિટનું ઉત્પાદન શરૂ કર્યું. બિસ્કિટ ઉપરાંત પારલે-જી હવે ચોકલેટ, ટોફી, કેક, રસ્ક, સ્નેક્સ, બ્રેકફાસ્ટ સીરિયલ્સ અને લોટનું ઉત્પાદન અને વેચાણ કરે છે. પારલે-જી ઉપરાંત તેના લોકપ્રિય ઉત્પાદનોમાં હાઇડ એન્ડ સીક, ક્રેકજેક, મોનાકો, કિસ્મી, મેલોડી અને પારલે રસ્કનો સમાવેશ થાય છે.
પરિવારના 12 સભ્યો સાથે વ્યવસાય શરૂ કર્યો
મોહનલાલે 12 લોકો સાથે પોતાની ફેક્ટરી શરૂ કરી હતી, જે બધા મોહનલાલના પરિવારના સભ્યો હતા. પારલેએ ફેક્ટરી ખુલ્યાના દસ વર્ષ પછી 1939માં બિસ્કિટનું ઉત્પાદન શરૂ કર્યું. ત્યાં સુધી ભારતમાં ઉપલબ્ધ બિસ્કિટ આયાત કરવામાં આવતા હતા અને તેથી મોંઘા હતા. પારલેએ સામાન્ય લોકો માટે પોસાય તેવા ભાવે તેના બિસ્કિટ લોન્ચ કર્યા. તે ઝડપથી લોકપ્રિય બન્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટિશ-ભારતીય સેનામાં પણ પારલે બિસ્કિટની ખૂબ માંગ હતી.
આઝાદી પછી બિસ્કિટનું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું
1947માં ભારતને આઝાદી મળી. તે વર્ષે પાકિસ્તાનનું પણ વિભાજન થયું અને દેશમાં અચાનક ઘઉંની અછતનો સામનો કરવો પડ્યો. પારલેએ તેના ગ્લુકો બિસ્કિટનું ઉત્પાદન બંધ કરવું પડ્યું, કારણ કે ઘઉં તેનો મુખ્ય સ્ત્રોત હતો. આ કટોકટીને દૂર કરવા માટે, પારલેએ જવમાંથી બનેલા બિસ્કિટનું ઉત્પાદન શરૂ કર્યું. ૧૯૬૦ ના દાયકા સુધીમાં ઘણી અન્ય બ્રાન્ડ્સે ગ્લુકોઝ બિસ્કિટ લોન્ચ કર્યા હતા. આનાથી ગ્રાહકોમાં મૂંઝવણ ઉભી થઈ અને પારલે બિસ્કિટના વેચાણ પર અસર પડી. કંપનીએ નવું પેકેજિંગ વિકસાવ્યું અને પારલે બિસ્કિટ પીળા વેક્સ પેપરમાં લપેટીને આવવા લાગ્યા. પેકેજિંગ પર લાલ પારલે બ્રાન્ડિંગ સાથે એક નાની છોકરીનો ફોટો હતો. નવી બ્રાન્ડિંગ આકર્ષક હતી, પરંતુ પારલેને અન્ય ગ્લુકોઝ બિસ્કિટથી કેવી રીતે અલગ પાડવું તે સમસ્યા યથાવત રહી. 1982 માં પારલે ગ્લુકોને પારલે-જી તરીકે ફરીથી પેક કરવામાં આવ્યું, જેમાં G નો અર્થ ગ્લુકોઝ હતો. પેકેજિંગને વેક્સના કાગળથી બદલીને ઓછા ખર્ચે પ્રિન્ટેડ પ્લાસ્ટિક કવરમાં પણ મૂકવામાં આવ્યું. આનાથી તેને એક અલગ ઓળખ મળી.












