EDએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને કરોડોનું કૌભાંડ આચરનારા બેંક અધિકારીને ઝડપ્યો

અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2025: અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બે રાજ્યોમાં 13 કલાકથી વધુ સમય સુધી દરોડા પાડ્યા બાદ બેંક ઓફ ઈન્ડિયા (BOI) ના બરતરફ કરાયેલા અધિકારી હિતેશ સિંગલા ની ધરપકડ કરી હતી. સિંગલા પર તેમણે 127 ખાતામાંથી ₹16.10 કરોડની હેરાફેરી કરી હોવાનો આરોપ છે. આ ખાતાઓમાં વૃદ્ધ નાગરિકો, સગીરો, મૃત્યુ પામેલા ગ્રાહકો અને લાંબા સમયથી નિષ્ક્રિય ખાતાધારકોના પૈસા હતા.
ચાલુ ટ્રેનમાંથી ઝડપાયો
છેતરપિંડીનો પર્દાફાશ થયા પછી સિંગલા ફરાર થઈ ગયા હતા. EDના અધિકારીઓને માહિતી મળી કે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, જેથી તેમણે અમદાવાદમાં ઉજ્જૈન-વેરાવળ ટ્રેન રોકાવીને તેમની ધરપકડ કરી હતી. સિંગલાને મુંબઈની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને EDની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
બે વર્ષ સુધી ચાલી છેતરપિંડી
પ્રાથમિક તપાસ મુજબ, સિંગલાએ લગભગ બે વર્ષ સુધી આ છેતરપિંડી આચરી હતી. તેમણે કોઈની પણ મંજૂરી વગર FD, PPF અને અન્ય ખાતાઓને બંધ કરવા માટે BOIની સિસ્ટમમાં ગેરકાયદે ફેરફાર કર્યા હતા. સિંગલાએ જેમાં તપાસ થવાની શક્યતા ઓછી હોય તેવા ખાતાઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં વૃદ્ધ નાગરિકો, સગીરો, મૃતક ગ્રાહકો અને નિષ્ક્રિય ખાતાનો સમાવેશ થાય છે. આ કૌભાંડથી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા.












