દ્વારકામાં જોવા મળ્યો અદ્ભૂત નજારો: 21 દિવસની પદયાત્રા કરી 21 ગાયોએ દ્વારકાધીશના દર્શન કર્યા

દ્વારકા: ગૌમાતા પ્રત્યે આદર, પ્રેમ અને સુરક્ષાનો સંદેશ આપતી એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. લાઠીદડ ગામથી શરૂ થયેલી ‘ગૌવેદના સંકલ્પ પદયાત્રા’ 21 ગૌમાતાઓ સાથે દ્વારકાધીશ જગતમંદિરે પહોંચી છે. આ યાત્રાએ ગૌવંશના સંરક્ષણ અને જાગૃતિનો ભાવુક સંદેશ આપ્યો છે.
21 ગૌમાતાઓએ કર્યા દ્વારકાધીશના દર્શન
‘નિરાધારનો આધાર યુવા મંડળ’ દ્વારા આયોજિત આ પદયાત્રા 16 જૂને લાઠીદડથી પ્રારંભ થઈ હતી. 21 ગૌમાતાઓ સાથે યાત્રિકોએ પગપાળા પ્રવાસ કરીને દ્વારકાધીશ જગતમંદિર સુધીની મુસાફરી પૂર્ણ કરી. મંદિરની વહીવટદાર સમિતિએ પદયાત્રીઓ અને ગૌમાતાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
મંદિર પ્રશાસને ખાસ વ્યવસ્થા કરીને ગૌમાતાઓને સરળતાથી દર્શન કરવાની તક આપી હતી. ગૌમાતાઓએ કાળીયા ઠાકોરજીના દર્શન કર્યા તે દૃશ્ય અત્યંત ભાવુક અને પ્રેરણાદાયક હતું. આ સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યાત્રાનો ઉદ્દેશ્ય
આ પદયાત્રાનો મુખ્ય હેતુ ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને સન્માન માટે સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવાનો હતો. માર્ગમાં આવતા અનેક ગામો અને શહેરોમાં યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત થયું. ગૌપ્રેમીઓ, સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ ગૌસેવા, જીવદયા અને માનવતાનો સંદેશ વ્યાપક સમર્થન આપ્યું.
નિરાધારનો આધાર યુવા મંડળના સંચાલક સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અભિયાને ગૌમાતા પ્રત્યે વધતી નિરાધારતા અને અત્યાચાર વિરુદ્ધ જાગૃતિ ફેલાવી છે.
ભક્તિ અને સંકલ્પનું અનોખું મિશ્રણ
આ પદયાત્રા માત્ર એક યાત્રા નહીં, પરંતુ ગૌમાતા પ્રત્યેના આદર, કૃતજ્ઞતા અને સુરક્ષાનો સંકલ્પ છે. દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાએ સૌના હૃદયને સ્પર્શી લીધું છે.
આવી પ્રેરણાદાયક પહેલો સમાજમાં ગૌસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ગૌમાતાઓ સાથેની આ યાત્રા દરેક ગૌપ્રેમી માટે એક મિસાલ બની રહેશે.
આ પણ વાંચો: મુંબઈમાં ઠેર ઠેર ઘુંટણસમા પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ કરવાનો આદેશ, રેલવે ટ્રેક ડુબ્યા












