કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કાળી ચૌદશની રાત્રે જૂનાગઢના શેરગઢ ગામે પાંચ ઝૂપડા આગમાં થઈ ગયા સ્વાહા, પરિવારો પર આભ તૂટી પડ્યું

જૂનાગઢ, તા. 20 ઓક્ટોબર, 2025: દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં કાળી ચૌદશની રાત્રે એક કરુણ ઘટના બની છે. અહીં દેવીપૂજક સમાજના ગરીબ પરિવારોના પાંચથી વધુ ઝૂંપડામાં ભીષણ આગ લાગતાં આ ગરીબ પરિવારો માટે રોશનીનો તહેવાર અંધકારમાં ફેરવાઈ ગયો છે.

રાત્રિના સમયે ઝૂંપડામાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગામ લોકોએ તાત્કાલિક એકઠા થઈને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને ફાયર ફાઇટરો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મોટું નુકસાન અને આશંકા

ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઝૂંપડામાં રાખેલો મોટા ભાગનો ઘરવખરીનો સામાન — ટીવી, કબાટ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.

ભોગ બનનાર પરિવારોના સભ્ય રવજીભાઈ પરમારએ જણાવ્યું કે, “અમારો પરિવાર રાત્રે ઝૂંપડામાં હાજર હતો, ત્યારે અચાનક આગ લાગી. આસપાસ બાળકો ફટાકડા ફોડતા હતા, જેથી તેના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.”

આ ભીષણ આગને કારણે દેવીપૂજક સમાજના આ ગરીબ પરિવારોને અંદાજે ₹1 લાખથી વધુનું મોટું નુકસાન થયું છે અને તેઓ બેઘર બન્યા છે. દિવાળીના તહેવારની રાત્રે જ આશ્રય અને સામાન ગુમાવતાં પરિવારજનોમાં શોક અને નિરાશાનો માહોલ છવાયો છે.

જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ અંગે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button