ટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટ્સ

ધોનીએ જાતે કપ્તાની છોડી નહીં, પણ છોડાવવામાં આવી: 9 વર્ષ પછી પૂર્વ સિલેક્ટરે ખૂલાસો કર્યો

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026 : ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીની વાત આવે તો તેમને ત્રણેય મુખ્ય ICC ટુર્નામેન્ટ (T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી) જીતનાર એકમાત્ર કપ્તાન તરીકે ઓળખવામાં આવે છે. 2020માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. પરંતુ જાન્યુઆરી 2017માં તેમણે અચાનક ODI અને T20 ટીમની કપ્તાની છોડી દીધી હતી, જેનાથી ફેન્સ અને ક્રિકેટ જગત ચોંકી ગયું હતું.

આ મામલે હવે 9 વર્ષ પછી પૂર્વ સિલેક્ટર જતિન પરાંજપેએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ક્રિકેટ શો’માં મોટો ખુલાસો કર્યો છે.

‘અમે ધોની પાસે ગયા અને કહ્યું…’

ધોનીએ કપ્તાની સ્વેચ્છાએ છોડી નહોતી, પરંતુ તેમને આ નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું હતું. તે સમયના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ અને જતિન પરાંજપેએ ધોની સાથે આ વાત કરી હતી. પરાંજપેએ કહ્યું: “માહી બેટિંગ કરી રહ્યા હતા. તેઓ એક કલાક સુધી બેટિંગ કરતા રહ્યા. હું અને એમએસકે એકબીજાને જોઈ રહ્યા હતા. અમે તૈયારી કરી રાખી હતી કે તેમને સૌથી સન્માનજનક રીતે આ વાત કેવી રીતે કહેવી. અમે તેમની પાસે ગયા અને કહ્યું, ‘માહી, મને લાગે છે કે હવે આગળ વધવાનો આ સાચો સમય છે.’”

‘અન્ના, આ એકદમ સાચો નિર્ણય છે’

પરાંજપેએ આગળ જણાવ્યું કે ધોનીએ ખૂબ જ શાંતિથી આ નિર્ણય સ્વીકાર્યો હતો. તેમણે એમએસકે પ્રસાદને કહ્યું, “અન્ના, આ એકદમ સાચો નિર્ણય છે. મને કહો કે તમે મારી પાસેથી શું ઇચ્છો છો.” એમએસકેએ કહ્યું કે તમારે લખીને આપવું પડશે કે તમે આગળ વધવા (કપ્તાની છોડવા) માટે તૈયાર છો. ધોનીએ કહ્યું, “ઠીક છે, હું એવું કરી દઈશ.” રાત્રે મોડી વખતે અમને ધોનીનો એક ઈમેઇલ મળ્યો, જેમાં લખ્યું હતું કે ‘હું પદ છોડવા માંગું છું’. અમારે આ નિર્ણય લેવો જ પડ્યો હતો. આ માટે અમારી ખૂબ ટીકા થઈ હતી. આવા મુશ્કેલ નિર્ણયો લેવા જ પડે છે.”

ધોની બાદ કોહલીને કમાન સોપવામાં આવી

ધોનીના કપ્તાની છોડ્યા બાદ વિરાટ કોહલીને ભારતીય ટીમની પૂર્ણ કમાન મળી. તેઓ પહેલેથી જ ટેસ્ટ કપ્તાન હતા. કોહલીની કપ્તાનીમાં ટીમે નવી ઊંચાઈઓ સર કરી. ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે પોતાની બાયોગ્રાફીમાં જણાવ્યું હતું કે કોહલી તમામ ફોર્મેટમાં કપ્તાન બનવા માટે બેચેન હતા. હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોહલીને ભરોસો અપાવ્યો હતો કે સમય આવે ત્યારે તેમને આ તક મળશે. ધોનીને જ્યારે લાગ્યું કે કોહલી તૈયાર છે, ત્યારે તેમણે ભરોસો મૂક્યો અને ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત થઈ.

આ પણ વાંચો : બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, ગુજરાતમાં વરસાદ અને ઠંડીની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી

Back to top button