દિલ્હીમાં છવાઈ ધુમ્મસની ચાદર, 100થી વધારે ફ્લાઈટ રદ્દ
રાજધાની દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો છે. દિલ્હીના IGI એરપોર્ટ પર ફ્લાઇટ્સ પર અસર પડી છે. નબળી દૃશ્યતાને કારણે, 104 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 64 પ્રસ્થાન અને 40 આગમનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સવાર સુધીમાં આશરે 600 ફ્લાઇટ્સ મોડી પડી હતી અને ચાર ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારના કલાકો દરમિયાન ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ પર સૌથી વધુ અસર પડી છે.
એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ મુસાફરી સલાહ જારી
એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિતની મુખ્ય એરલાઇન્સે મુસાફરો માટે મુસાફરી સલાહ જારી કરી છે. તેમણે દેશના ઘણા ભાગોમાં વહેલી સવારે ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ વિક્ષેપિત થવાની ચેતવણી આપી છે.
એરલાઇન્સે જણાવ્યું છે કે ઓછી દૃશ્યતા ફ્લાઇટ કામગીરીને અસર કરી શકે છે વિલંબ અથવા ફેરફારો શક્ય છે. તેથી, ઘરેથી નીકળતા પહેલા કૃપા કરીને તમારી એરલાઇનનો સંપર્ક કરો.
ઘણા વિસ્તારોમાં AQI 400 ને પાર
દિલ્હીમાં રવિવારે સવારે 7 વાગ્યે AQI 438 નોંધાયું હતું. વધુમાં ઘણા વિસ્તારોમાં AQI 400 થી ઉપર નોંધાયું હતું. અક્ષરધામ વિસ્તારમાં AQI 438 નોંધાયું હતું જેને “ગંભીર” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. CPCB ના ડેટા અનુસાર, ગાઝીપુર વિસ્તારમાં પણ AQI 438 નોંધાયું હતું. ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ વિસ્તારોમાં AQI 381 નોંધાયું હતું. દરમિયાન આનંદ વિહાર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર “ગંભીર” પર પહોંચી ગયું હતું, જેમાં AQI 440 હતું.












