Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

જસ્ટિસ યશવંત વર્માને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, મહાભિયોગ તપાસ સમિતિ સામેની અરજી ફગાવી

નવી દિલ્હી: 16 જાન્યુઆરી, 2026:  દિલ્હી કૅશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી નથી. શુક્રવારે જસ્ટિસ દીપાંકર દત્ત અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે લોકસભા સ્પીકર દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિ વિરુદ્ધ જસ્ટિસ વર્માએ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

જસ્ટિસ યશવંત વર્માએ લોકસભા સ્પીકરના તે નિર્ણયને પડકાર્યો હતો, જેમાં તેમની વિરુદ્ધના મહાભિયોગ (Impeachment) પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો અને ‘જજિસ (ઈન્ક્વાયરી) એક્ટ, 1968’ હેઠળ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, જો જસ્ટિસ વર્મા તેમના અધિકારોનું હનન સાબિત કરી શકે, તો જ કોર્ટ કલમ 32 હેઠળ હસ્તક્ષેપ કરી શકે છે.

જસ્ટિસ વર્માની બચાવમાં દલીલો

થોડા દિવસો પહેલા સંસદમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ પ્રક્રિયા મુજબ તપાસ સમિતિ બનાવી, જેની સામે જસ્ટિસ વર્માએ પોતાનો પક્ષ રાખતા નીચે મુજબની દલીલો કરી હતી. તેમણે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જ્યારે અધિકારીઓએ ઘટનાસ્થળને સુરક્ષિત ન કર્યું, તો તેમણે મહાભિયોગનો સામનો કેમ કરવો જોઈએ? પોલીસ અને ફાયર બ્રિગેડ બંને હાજર હોવા છતાં સાઇટને સીલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. શરૂઆતમાં ઘટનાસ્થળેથી કોઈ રિકવરી થઈ ન હતી, પરંતુ હવે ત્યાંથી રોકડ (Cash) મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સુરક્ષામાં ચૂક માટે તેમને જવાબદાર ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

જસ્ટિસ વર્માએ સંસદ દ્વારા રચાયેલી આ સમિતિ અને મહાભિયોગની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, સર્વોચ્ચ અદાલતે તેમની દલીલો ગ્રાહ્ય ન રાખી અને અરજી ફગાવી દેતા હવે તેમની સામે તપાસનો માર્ગ મોકળો થયો છે.

 

Back to top button