
Deesa Shreeji Square: બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલા શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સના ગેરકાયદે બાંધકામને લઈને ચાલતા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે અગાઉ આપવામાં આવેલો સ્ટે રદ કરીને ડીસા નગરપાલિકાને કાયદા મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી છે. સાથે જ કોર્ટને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ મિલકત માલિક પર રૂ. 1 લાખનો દંડ ફટકારતાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે અરજદાર નરેશ બાબુલાલ કાંકરિયાએ ડીસા નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં મંજૂર નકશા કરતાં વધુ અને નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું છે. તેમણે પાલિકાને આ ગેરકાયદે બાંધકામ દૂર કરવા વિનંતી કરી હતી. જોકે અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં તેમણે આખરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હાઇકોર્ટના હસ્તક્ષેપ બાદ ડીસા નગરપાલિકાએ સ્થળનું ડીમાર્કેશન કરાવ્યું હતું અને વધારાનું બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી. તે દરમિયાન મિલકત માલિક પ્રવીણ જયંતીલાલ ચોખાવાલા અને અન્ય પક્ષકારોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે પ્રાદેશિક કમિશનર સમક્ષ અરજી કરવામાં આવી છે અને તે પ્રક્રિયા ચાલુ હોવાથી કાર્યવાહી રોકવી જોઈએ. આ દલીલના આધારે તેમને તાત્કાલિક સ્ટે પણ મળ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પરંતુ અંતિમ સુનાવણી દરમિયાન ખુલાસો થયો કે પ્રાદેશિક કમિશનરે નિયમિતીકરણ માટેની અરજી તો અગાઉથી જ નામંજૂર કરી દીધી હતી. આ મહત્વની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી નહોતી. કોર્ટના મતે અરજદારોએ જાણબૂઝીને હકીકતો છુપાવીને ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બાબતને ગંભીર ગણાવતા ગુજરાત હાઇકોર્ટે સ્ટે તાત્કાલિક અસરથી રદ કર્યો અને પ્રવીણ જયંતીલાલ ચોખાવાલા સહિત સંબંધિત પક્ષકારો પર રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે ખોટી માહિતી આપીને કોર્ટનો કિંમતી સમય બગાડવામાં આવ્યો છે, જે ગંભીર બાબત છે.
કેસની કાર્યવાહી દરમિયાન એ પણ સામે આવ્યું કે ડીસા નગરપાલિકાએ અગાઉ શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સને ત્રણ વખત નોટિસ ફટકારી હતી અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે સૂચના આપી હતી. તેમ છતાં માલિક દ્વારા કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. પરિણામે આખો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
હવે હાઇકોર્ટનો સ્ટે દૂર થતાં ડીસા નગરપાલિકા માટે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો બની ગયો છે. પાલિકા હવે ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે જરૂરી કાર્યવાહી કરી શકશે. શહેરમાં પણ આ ચુકાદાની વ્યાપક ચર્ચા થઈ રહી છે અને હવે પાલિકા કેટલા ઝડપથી અમલ કરે છે તેના પર સ્થાનિક નાગરિકો તેમજ વેપારીઓની નજર મંડાઈ છે.
કાનૂની નિષ્ણાતોના મતે આ ચુકાદો માત્ર શ્રીજી સ્ક્વેર પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યભરમાં મંજૂર નકશા વિરુદ્ધ થતા બાંધકામો સામે પણ મહત્વપૂર્ણ સંદેશ સમાન છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે બાંધકામને કાયદાના નામે બચાવવાનો પ્રયાસ અથવા કોર્ટ સમક્ષ ખોટી માહિતી રજૂ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગરીબ રથમાં મહિલાનું મોત, TTE પર સારવારમાં વિલંબના આક્ષેપ












