ટ્રેન્ડિંગવર્લ્ડ

80 વર્ષીય મહિલાને અજાણ્યા ટાપૂ પર ભૂલી ગયું ક્રૂઝ શિપ, જ્યારે પરત ફર્યા તો મળ્યો મૃતદેહ

નવી દિલ્હીઃ 31 ઓક્ટોબર, 2025: ઓસ્ટ્રેલિયામાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક ક્રૂઝ શિપની બેદરકારીના કારણે 80 વર્ષીય પ્રવાસી મહિલાનું એક દૂરના ટાપુ પર એકલા રહી જવાના કારણે મૃત્યુ થયું છે.

મૃતક મહિલા, સુઝેન રીસ 60 દિવસની લક્ઝરી ક્રૂઝ યાત્રા પર હતી. 24 ઓક્ટોબરે, તે ગ્રેટ બેરિયર રીફના ઉષ્ણકટિબંધીય ટાપુ લીઝાર્ડ આઇલેન્ડ પર હતી.

પહાડી ચઢાણ દરમિયાન રહી ગઈ પાછળ

માહિતી મુજબ, સુઝેન રીસ ટાપુની સૌથી ઊંચી ટોચ, ‘કુક્સ લૂક’, પરના ગ્રુપ ટ્રેકિંગમાં સામેલ થઈ હતી. જોકે, તેને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી હતી અને તેણે આરામ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, ભૂલથી તે લીઝાર્ડ ટાપુ પર જ રહી ગઈ અને ક્રૂઝ શિપ કોરલ એડવેન્ચરર અન્ય પ્રવાસીઓ સાથે ત્યાંથી રવાના થઈ ગયું. જ્યારે ક્રૂના સભ્યોને ખબર પડી કે મહિલા ગુમ છે, ત્યારે તેને શોધવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું.

ટાપુ પર એકલા રહી ગયા બાદ થયું મોત

જ્યારે ક્રૂના સભ્યો ટાપુ પર પાછા પહોંચ્યા, ત્યારે મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે મહિલાના મૃત્યુને બિન-શંકાસ્પદ ગણાવ્યું છે, પરંતુ આ ઘટનાને કારણે ક્રૂઝ કંપનીની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સાથી પ્રવાસીઓ અને ક્રૂ સભ્યોએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી અને મહિલાને શ્રદ્ધાંજલિ આપી.

પુત્રીનો ગંભીર આરોપ

અહેવાલ મુજબ, મૃતક મહિલાની પુત્રી કેથરીન રીસએ જણાવ્યું કે તેનો પરિવાર એ જાણીને આઘાતમાં છે કે ક્રૂઝ શિપે તેની માતા સુઝેન વિના જ ટાપુ છોડી દીધો. પોલીસ તરફથી અમને જાણવા મળ્યું કે તે દિવસે ખૂબ જ ગરમી હતી, અને પહાડ પર ચઢતી વખતે માતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને કોઈ પણ સુરક્ષા વિના નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ક્રૂ મેમ્બર્સ દ્વારા પ્રવાસીઓની ગણતરી કર્યા વિના જ જહાજ રવાના કરી દેવાયું. એકલા પડી જવાના કારણે થોડા સમય બાદ ગરમી અને તબિયત લથડવાથી માતાનું મૃત્યુ થયું.

AMSA એ તપાસ શરૂ કરી

આ મામલે ઓસ્ટ્રેલિયન મેરીટાઇમ સેફ્ટી ઓથોરિટી (AMSA) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં એ પણ સામેલ છે કે, જહાજ પર ચઢતી વખતે મુસાફરોને કેમ ટ્રેક કરવામાં આવ્યા નહીં. બીજી નવેમ્બરે ક્રૂઝ શિપ ડાર્વિન પહોંચ્યા બાદ ‘કોરલ એડવેન્ચરર’ના ક્રૂ સભ્યોની પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ તુર્કીમાં આવેલા આ મંદિરને કહેવાય છે નર્કનો દરવાજો! જ્યાં પગ મૂકતા જ થાય છે મોત

આ પણ વાંચોઃ ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, જાણો ક્યા છે મેઘનું એલર્ટ

 

Back to top button