કાચા તેલમાં જોરદાર ઉછાળો, ભાવ 100 ડોલર પાર; વૈશ્વિક તણાવથી બજારમાં ચિંતા
Crude oil surges :વિશ્વ બજારમાં ફરી એકવાર કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ઇસ્લામાબાદમાં ચાલી રહેલી મહત્વપૂર્ણ વાતચીત કોઈ નિષ્કર્ષ વિના સમાપ્ત થતા જ ઊર્જા બજારમાં અસ્થિરતા ફેલાઈ ગઈ છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવરૂપે કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે.
આ વાતચીતથી બજારમાં મોટી આશાઓ હતી, પરંતુ બંને દેશો વચ્ચે સહમતી ન બનતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો. પરિણામે કાચા તેલના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો. યુરોપમાં ગેસના ભાવમાં પણ લગભગ 18 ટકાનો ઉછાળો આવ્યો, જે ઊર્જા ખર્ચ વધારવાના સંકેતો આપે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ સમગ્ર તણાવનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝ જળમાર્ગ છે. આ માર્ગ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે અહીંથી મોટા પ્રમાણમાં તેલનો પુરવઠો થાય છે. અમેરિકાએ આ વિસ્તારમાં ઇરાન સાથે જોડાયેલા જહાજો પર નિયંત્રણ લાગુ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે સપ્લાય ચેઇન પર અસર થવાની ભીતિ વધી ગઈ છે.
બીજી તરફ, ઇરાને આ પગલાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. ઇરાનના અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ પોતાના હિતોની રક્ષા માટે સજ્જ છે અને કોઈપણ દબાણ સ્વીકારશે નહીં. બંને દેશો એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેના કારણે તણાવ વધુ વધી રહ્યો છે.
આ પરિસ્થિતિનો અસર માત્ર તેલ બજાર પૂરતો સીમિત નથી. જો તણાવ વધશે તો વૈશ્વિક સ્તરે મોંઘવારીમાં વધારો થવાની શક્યતા છે. ઊર્જા ખર્ચ વધવાથી સામાન્ય લોકોના જીવન પર પણ અસર પડશે.
હાલમાં વિશ્વભરના દેશોની નજર આ પરિસ્થિતિ પર ટકી છે. આગળ શું થશે તે અંગે અનિશ્ચિતતા છે, પરંતુ સ્પષ્ટ છે કે ઊર્જા બજારમાં અસ્થિરતા હજુ થોડો સમય ચાલુ રહી શકે છે.
આ પણ વાંચો : MI vs RCB: રોહિત રિટાયર્ડ હર્ટ અને કોહલીએ ફિલ્ડિંગ ન કરી, દિગ્ગજોની ઈજાથી ફેન્સમાં ચિંતા












