ગુજરાતટ્રેન્ડિંગ

ક્રાઈમ: પત્નીએ મિત્ર સાથે મળી પતિની હત્યા કરી દફનાવ્યો, 5 દિવસ બાદ કબર ખોદી લાશ બહાર કઢાઈ

વડોદરા: તાંદલજા – વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં પત્નીએ જ પોતાના મુંબઈ સ્થિત મિત્ર સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાના પાંચ દિવસ બાદ મૃતકના પરિવારની શંકાના આધારે પોલીસે કબરમાંથી મૃતદેહને બહાર કાઢી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

ઠંડા કલેજે રચાયું હત્યાનું ષડયંત્ર

પ્રાપ્ત માહિતી અનુસાર, તાંદલજામાં રહેતી ગુલ બાનુ (ઉં.વ. 30) એ તેના મુંબઈ સ્થિત મિત્ર તોસિફ સાથે મળીને પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ગત 18 નવેમ્બરની રાત્રે ગુલ બાનુએ પતિને સૌપ્રથમ ઊંઘની ગોળીઓ આપી દીધી હતી. જ્યારે પતિ બેભાન અવસ્થામાં હતો, ત્યારે રાત્રે 12થી 1 વાગ્યાના સમયગાળામાં ગળું દબાવીને તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું.

સામાન્ય મોતના નામે દફનવિધિ

હત્યા કર્યા બાદ આરોપી પત્નીએ આ સમગ્ર ઘટનાને આકસ્મિક કે કુદરતી મોત તરીકે ખપાવી દીધી હતી. પરિવારજનોને પણ હત્યાની કોઈ ગંધ ન આવતા, તેમણે 19મી નવેમ્બરના રોજ પતિની દફનવિધિ કરી દીધી હતી. પત્નીએ ગુનાને છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ “પાપ છાપરે ચડીને પોકારે” તે કહેવત મુજબ અંતે સત્ય બહાર આવ્યું.

મોબાઈલ કોલ ડિટેઈલે ખોલ્યો રાઝ

દફનવિધિ બાદ મૃતકના પરિવારજનોને શંકા ગઈ અને તેમણે મૃતકનો મોબાઈલ અને કોલ ડિટેઈલ્સ ચકાસી. આ તપાસમાં સામે આવ્યું કે ગુલ બાનુ એક ચોક્કસ નંબર (તોસિફ) પર વારંવાર લાંબી વાતચીત કરતી હતી. આ કોલ ડિટેઈલ્સના આધારે શંકા દૃઢ થતાં પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો.

કબરમાંથી મૃતદેહ બહાર કઢાયો

પરિવારની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાના પાંચમા દિવસે, મેજિસ્ટ્રેટ અને પોલીસ કાફલાની હાજરીમાં કબરમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (પીએમ) માટે મોકલી આપવામાં આવ્યો છે, જે હત્યાના કારણની સત્તાવાર પુષ્ટિ કરશે. પોલીસે પત્ની ગુલ બાનુ અને તેના મિત્ર તોસિફ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button