ટેલર સ્વિફ્ટના પતિ પણ પોન્ઝી સ્કીમના શિકાર, ભારતીય મૂળના બિઝનેસમેનને 11 વર્ષની જેલ

Ponzi Scheme: અમેરિકન પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ અને NFL સ્ટાર ટ્રેવિસ કેલ્સ પણ ભારતીય મૂળના બિઝનેસમેન સિદ્ધાર્થ જવાહર દ્વારા ચલાવવામાં આવેલી $35 મિલિયનથી વધુની પોન્ઝી સ્કીમના શિકાર બન્યા હોવાનું અમેરિકાની કોર્ટ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે. આ છેતરપિંડીમાં કુલ 64 લોકો ભોગ બન્યા હોવાનું પ્રોસિક્યુટર્સે જણાવ્યું છે.
ટેક્સાસ સ્થિત Swiftarc Capital LLC ચલાવતા 38 વર્ષીય સિદ્ધાર્થ જવાહરને અમેરિકાની ફેડરલ કોર્ટે 11 વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે જ તેને છેતરપિંડીના ભોગ બનેલા રોકાણકારોને $31.35 મિલિયન (આશરે ₹300.55 કરોડનું વળતર) ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
ટ્રેવિસ કેલ્સેનું નામ પણ પીડિતોની યાદીમાં
કેન્સાસ સિટી ચીફ્સ માટે રમતા 36 વર્ષીય ટ્રેવિસ કેલ્સેનું નામ સિદ્ધાર્થ જવાહરની સજા સંભળાવતી સુનાવણી દરમિયાન પીડિત તરીકે સામે આવ્યું હતું. જોકે, કેલ્સે આ સ્કીમમાં કેટલું રોકાણ કર્યું હતું અથવા તેમને ચોક્કસ કેટલું નુકસાન થયું તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમના પ્રતિનિધિઓએ પણ રોકાણ કે નુકસાનની રકમ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. આ કેસમાં ટ્રેવિસ કેલ્સેનું નામ માત્ર પીડિત તરીકે જ સામે આવ્યું છે. તેમની સામે કોઈ ગેરરીતિ કે ગુનાનો આરોપ નથી.
કેવી રીતે ચાલતી હતી $35 મિલિયનની પોન્ઝી સ્કીમ?
પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ સિદ્ધાર્થ જવાહર રોકાણકારોને તેમની રકમ અલગ-અલગ કંપનીઓ અને રોકાણ સાધનોમાં રોકવામાં આવશે તેવી ખાતરી આપતો હતો, પરંતુ સમય જતાં રોકાણકારોની મોટાભાગની રકમ એક જ વિદેશી રોકાણ Philip Morris Pakistanમાં કેન્દ્રિત કરવામાં આવી હતી. આ રોકાણનું મૂલ્ય ઘટવા લાગ્યા બાદ પણ જવાહરે રોકાણકારોને થયેલા નુકસાનની સાચી માહિતી આપી નહોતી. તેના બદલે તેમનું રોકાણ નફો આપી રહ્યું છે તેવી રજૂઆત ચાલુ રાખવામાં આવી હોવાનું પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું. નવી આવતી રોકાણની રકમમાંથી જૂના રોકાણકારોને પૈસા પરત કરવામાં આવતા હતા. આ જ પદ્ધતિને સામાન્ય રીતે પોન્ઝી સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે.
$35 મિલિયન મેળવ્યા, માત્ર $10 મિલિયનનું રોકાણ
કોર્ટમાં રજૂ કરાયેલી માહિતી મુજબ જુલાઈ 2016થી ડિસેમ્બર 2023 દરમિયાન સિદ્ધાર્થ જવાહરે રોકાણકારો પાસેથી $35 મિલિયનથી વધુ રકમ મેળવી હતી. પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર આમાંથી માત્ર અંદાજે $10 મિલિયન (આશરે ₹95.87 કરોડ)નું વાસ્તવિક રોકાણ કરવામાં આવ્યું હતું. બાકીની રકમનો એક ભાગ અગાઉના રોકાણકારોને ચૂકવણી કરવા અને વ્યક્તિગત ખર્ચ માટે ઉપયોગમાં લેવાયો હતો.
પ્રાઇવેટ જેટથી લક્ઝરી હોટલ સુધી ખર્ચ
કોર્ટ દસ્તાવેજો મુજબ રોકાણકારોની રકમમાંથી પ્રાઇવેટ જેટમાં મુસાફરી, લક્ઝરી હોટલ, મોંઘા એપાર્ટમેન્ટ, ખાનગી ક્લબની મેમ્બરશિપ, શોપિંગ અને અન્ય મોંઘી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો. પ્રોસિક્યુટર્સે આ જીવનશૈલીને અત્યંત વૈભવી ગણાવી હતી. સિદ્ધાર્થ જવાહર સામે ડિસેમ્બર 2023માં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. બાદમાં તેણે વાયર ફ્રોડના 3 કેસમાં દોષ સ્વીકાર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તપાસમાં દખલ કરવાનો પણ આરોપ
આરોપપત્ર બાદ જવાહરે તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ પ્રોસિક્યુટર્સે દાવો કર્યો હતો. તેણે એક પીડિતને FBI સમક્ષ પોતાના પક્ષમાં નિવેદન આપવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત પોતાની ઇમિગ્રેશન સ્થિતિ અને નાણાકીય બાબતો વિશે ખોટી માહિતી આપી હોવાનો પણ આરોપ હતો. પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર તેણે પુરાવા છુપાવવા માટે પોતાની બહેનને આઈફોનનું ડેટા રિમોટલી ડિલીટ કરવા પણ કહ્યું હતું.
11 વર્ષની જેલ અને $31.35 મિલિયન વળતર
યુએસ ડિસ્ટ્રીક્ટ જજે છેતરપિંડીના વ્યાપ અને લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને સિદ્ધાર્થ જવાહરને 11 વર્ષની ફેડરલ જેલની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે તેને 64 પીડિતોને કુલ $31.35 મિલિયનનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.












