નેપાળ ભડકે બળ્યું: વડાપ્રધાનનું રાજીનામું, આંદોલનકારીઓએ આખી સંસદ સળગાવી નાખી

- ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે
9 સપ્ટેમ્બર, 2025, કાઠમંડુઃ નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલી Gen-Z Protest Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા PM કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે.
આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. એવું કહેવાય છે કે બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે. નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.

નેપાળમાં આંદોલન હિંસક બન્યું
ભારે વિદ્રોહ અને અનેક નેતાઓના ઘરમાં આગચંપી બાદ નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. નેપાળમાં વિવિધ સાંસદો, કેબિનેટ મંત્રીઓ અને મુખ્યમંત્રી એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે
નેપાળની સેનાએ PMને રાજીનામું આપવા સલાહ આપી
સતત વધતી હિંસાના કારણે નેપાળની સેનાના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દેલે વડાપ્રધાન ઓલીને રાજીનામું આપવા સલાહ આપી છે. સેનાએ કહ્યું છે કે તેઓ સત્તા નહીં છોડે ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે તેમ નથી. આંદોલનકારીઓએ ગૃહમંત્રી રમેશ લેખકના ઘરમાં તોડફોડ કરી છે.
નેપાળી કોંગ્રેસ કાર્યાલયમાં આગચંપી
કાઠમંડુમાં દેખાવો સતત ઉગ્ર થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ શાસક પક્ષ નેપાળી કોંગ્રેસના કાર્યાલયમાં આગચંપી હતી. બીજી તરફ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક ધોરણે રાજીનામું આપી દીધું છે.
VIDEO | Kathmandu, Nepal: Protesters put the ruling Nepali Congress party’s office on fire.#NepalProtests #KathmanduProtest
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/eeeISoqOTm
— Press Trust of India (@PTI_News) September 9, 2025
PMના નિવાસ સ્થાન નજીક ગોળીબાર, 2 ઘાયલ
PM ઓલીના નિવાસ સ્થાન નજીક ગોળીબારની ઘટના બની છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાનના નિવાસ સ્થાન આસપાસ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.
કૃષિ મંત્રીએ આપ્યું રાજીનામું
નેપાળના વડાપ્રધાન કેપી ઓલીની મુશ્કેલી સતત વધી રહી છે. ગૃહમંત્રી બાદ હવે કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ રાજીનામું આપી દીધું છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રી પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. સોમવારે હિંસક ઘટનાઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા દમનના વિરોધમાં કૃષિ મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેમનું રાજીનામું ઓલી સરકાર માટે મોટા ઝટકા સમાન છે. જેનાથી ઓલી પ્રત્યે અવિશ્વાસનું પ્રમાણ વધ્યું છે.












