ગુજરાતટ્રેન્ડિંગ

ધોરાજી હાઈવે પર ઓઈલ ટેન્કર અને બસ વચ્ચે ટક્કર: 10 મુસાફરો ઇજાગ્રસ્ત: તેલ લેવા લોકોની પડાપડી

રાજકોટ, 1 જૂન, 2025: ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ. ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં   ૧૦ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો બીજી તરફ બસમાં અંદાજિત ૪૦ મુસાફરો સવાર હતા.

ખાનગી બસ સાથે અકસ્માત થયા બાદ તેલનું ટેન્કર પલટી મારી ગયુ હતું. જેના પગલે વ્યાપક પ્રમાણમાં તેલ ઢોળાયું હતું. અકસ્માતના પગલે ધોરાજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત પાંચ લોકોને તાત્કાલિક ધોરણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.  ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૫ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા હતા. અકસ્માતને કારણે ટેન્કરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, જે લેવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી. ધોરાજી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાનો આંકડો 3700ને પાર, જાણો ગુજરાતમાં 24 કલાકમાં કેટલા વધ્યા કેસ

Back to top button