તિરંગા માર્ચ પહેલાં દિલ્હી પોલીસે અભિજીત દીપકેના ઘરે પહોંચી નોટિસ ફટકારી, મંજૂરી વગર માર્ચ કાઢશો તો કાર્યવાહી

CJP Tiranga March: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેના પ્રસ્તાવિત લહેરા દો તિરંગા માર્ચને લઈને રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે. શુક્રવારે દિલ્હી પોલીસની ટીમ અભિજીત દીપકેના નિવાસસ્થાને પહોંચી હતી અને તેમને નોટિસ આપીને કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં મંજૂરી વગર માર્ચ ન કાઢવાની ચેતવણી આપી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રધ્વજ ફરકાવવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રતિબંધાત્મક આદેશ લાગુ હોય તેવા વિસ્તારમાં મંજૂરી વગર રેલી કાઢવી અને ભીડ એકઠી કરવી કાયદાનો ભંગ બની શકે છે. આવી સ્થિતિમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
દીપકેના ઘરે પહોંચી પોલીસે નોટિસ આપીને આપી ચેતવણી
દિલ્હી પોલીસના અધિકારીઓ અભિજીત દીપકેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને પ્રસ્તાવિત તિરંગા માર્ચ રદ કરવા જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લાગુ છે. પોલીસે જણાવ્યું કે મંજૂરી વગર કોઈપણ પ્રકારની જાહેર સભા, પ્રદર્શન કે મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી થઈ શકે છે. આ દરમિયાન અધિકારીઓએ રાષ્ટ્રધ્વજના સન્માન અને ફ્લેગ કોડ સાથે જોડાયેલા નિયમોની પણ માહિતી આપી હતી.
હિંસા ભડકાવતો મારો એકપણ વીડિયો બતાવો: દીપકે
પોલીસની નોટિસ મળ્યા બાદ અભિજીત દીપકેએ તેની ભાષા અને તેમાં કરવામાં આવેલા આક્ષેપો સામે વાંધો ઉઠાવ્યો હતો. નોટિસમાં સોશિયલ મીડિયા મારફતે લોકોને ઉશ્કેરવાના કથિત આક્ષેપો અંગે તેમણે પોલીસ પાસે પુરાવા માગ્યા હતા. દીપકેએ સવાલ કર્યો હતો કે જો તેમણે ક્યારેય હિંસા ભડકાવી હોય તો તેનો એકપણ વીડિયો બતાવવામાં આવે. તેમણે પોતાના પ્રસ્તાવિત કાર્યક્રમને શાંતિપૂર્ણ અને લોકશાહી અધિકાર હેઠળનું પ્રદર્શન ગણાવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને દીપકે વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. CJP દ્વારા આ સમગ્ર ઘટનાક્રમ સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવ્યો હતો.
#WATCH | Delhi: Heavy security deployment at Connaught Place, ahead of CJP Founder Abhijeet Dipke’s call for a ‘Lehra Do Tiranga’ protest at Connaught Place’s Central Park. https://t.co/eTmx3JuJjz
— ANI (@ANI) October 16, 2026
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે CJPનું આંદોલન
CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીનો આક્ષેપ છે કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન અનિયમિતતાઓ થઈ છે અને મોટી સંખ્યામાં મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જોકે ચૂંટણી પંચે પુનરીક્ષણ પ્રક્રિયામાં પક્ષપાતના આક્ષેપોને નકારી કાઢ્યા છે. CJPએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન વધુ તેજ બનાવવાની જાહેરાત કરી હતી. દિલ્હીના કનોટ પ્લેસમાં યોજાનારો લહેરા દો તિરંગા માર્ચ પણ આ આંદોલનનો એક ભાગ છે.
Delhi Police has served a notice to CJP founder Abhijeet Dipke regarding the call to assemble for a protest at Central Park in Connaught Place today https://t.co/zYFSDzsHIw
— IANS (@ians_india) October 16, 2026
CJPના બે કાર્યકરોની ધરપકડ પણ વિવાદનું કારણ
CJPના કાર્યકરો સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ પણ વિરોધ પ્રદર્શનનું એક મહત્ત્વપૂર્ણ કારણ બની છે. બંનેને 13 ઓક્ટોબરે જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શન બાદ પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. CJPના જણાવ્યા અનુસાર બંને કાર્યકરોની મુક્તિ સંબંધિત પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવ્યો હતો. પાર્ટીએ પોલીસ અને વહીવટી તંત્ર પર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં અવરોધ ઊભા કરવાના આક્ષેપો કર્યા છે. જોકે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
16 અને 17 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક બંધ
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)એ વહીવટી કારણો દર્શાવીને કનોટ પ્લેસનો સેન્ટ્રલ પાર્ક 16 અને 17 ઓક્ટોબરે સામાન્ય લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રસ્તાવિત માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. પોલીસ દ્વારા લોકોને પ્રતિબંધિત સ્થળોએ ભેગા ન થવાની અપીલ કરવામાં આવી છે.












