‘તમે લોકો પરજીવી છો…’ કોકરોચ ટિપ્પણીના વિવાદ બાદ CJI સૂર્યકાંતે કોને લગાવી ફટકાર?

CJI Suryakant: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત દ્વારા તાજેતરમાં આપેલા કોકરોચ સંબંધિત નિવેદનથી દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. હવે બુધવાર (17 જૂન, 2026)ના રોજ એક કેસની સુનાવણી દરમિયાન CJI એ ફરી એક એવું જ નિવેદન આપ્યું છે. CJI એ એક આરોપીની જામીન અરજી નકારી કાઢતા કહ્યું કે, “તમે લોકો પરજીવી છો, તમારું જેલમાં રહેવું જ સમાજ માટે વધુ સારું છે.”
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની બેન્ચ એક સાઇબર ક્રાઈમ સંબંધિત કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન CJI એ આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કડક ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે સાઇબર ગુનેગારો પરજીવી હોય છે, જે લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરે છે, તેમને છેતરે છે અને તેમને પકડવા પણ મુશ્કેલ હોય છે. આવા ગુનેગારોનું જેલના સળીયા પાછળ રહેવું જ સમાજના હિતમાં છે.
સુનાવણી દરમિયાન CJI એ શું કહ્યું?
જસ્ટિસ સૂર્યકાંતે કેસની સુનાવણી દરમિયાન સાઇબર અપરાધના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી અને સાથે જ આરોપીને કડક ઠપકો પણ આપ્યો. તેમણે કહ્યું, “તમે લોકો પરજીવી છો, જે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરો છો. સાઇબર ગુનેગારો સામે અમારે ખૂબ જ કડક બનવું પડશે. તમે લોકો કોઈ એક રાજ્ય સુધી સીમિત નથી રહેતા. તમિલનાડુમાં કોઈને ફ્રોડ કરો છો અને પછી ત્યાંથી જમ્મુ ચાલ્યા જાઓ છો. સમાજનું ભલું એમાં જ છે કે તમારા જેવા લોકો જેલના સળીયા પાછળ જ બંધ રહે.”
CJIના કોકરોચ નિવેદન પર ભારે વિવાદ થયો હતો
આ પહેલાં પણ CJI સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન આવા જ પ્રકારની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કથિત રીતે બેરોજગાર યુવાનોની તુલના કોકરોચ સાથે કરી હતી. આ પછી તેમના નિવેદનને લઈને દેશભરમાં ભારે વિવાદ થયો હતો. અહીં સુધી કે તેમના નિવેદનનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર “કોકરોચ જનતા પાર્ટી (CJP)” નામથી એક નવી ઓનલાઇન રાજકીય પાર્ટી પણ સામે આવી.
તેમણે કહ્યું હતું કે બેરોજગાર યુવાનો આગળ જઈને મીડિયા, સોશિયલ મીડિયા અને RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને પછી સિસ્ટમ પર જ હુમલો શરૂ કરી દે છે. જોકે, જ્યારે વિવાદ ઘણો વધી ગયો ત્યારે CJI એ પોતાની ટિપ્પણી પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, “મારી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. મારું નિવેદન તે લોકો માટે હતું, જે નકલી અને બનાવટી ડિગ્રી લઈને કાયદાના વ્યવસાયમાં પ્રવેશ કરે છે.”
આ પણ વાંચો: સરકારી મલ્ટી-ટાસ્કિંગનો વધતો ભાર, વાયુસેનાથી રેલવે સુધી દરેક તંત્ર વધારાના કામમાં વ્યસ્ત












