‘હું નિમ્ન જાતિમાં જન્મ્યો પણ…’ વિયેતનામમાં CJI ગવઈએ જણાવ્યું બંધારણનું મહત્ત્વ

નવી દિલ્હી: 12 ઓક્ટોબરઃ 2025: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બી. આર. ગવઈએ વિયેતનામમાં ભારતીય બંધારણનું મહત્ત્વ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે, મારો જન્મ નિમ્ન જાતિના પરિવારમાં થયો હતો અને ભારતીય બંધારણે મારા માટે સુરક્ષા, સન્માન અને તકની ખાતરી આપી.
વિયેતનામની રાજધાની હનોઈમાં 38મા ‘લૉએશિયા’ સંમેલનમાં સંબોધન કરતાં જસ્ટિસ ગવઈએ જણાવ્યું કે, ‘મારૂ જીવન એ વાતનો જીવંત પુરાવો છે કે કેવી રીતે બંધારણીય સુરક્ષા ઉપાયોએ અછૂતોની જેમ જીવતા લોકોને સમાનતાનો દરજ્જો અપાવ્યો છે.’
બંધારણે સમાનતાને વાસ્તવિકતા બનાવી:
CJI ગવઈએ કહ્યું, ‘મારા માટે એક નિમ્ન જાતિમાં જન્મ લેવાનો અર્થ અછૂત હોવું નહોતું, કારણ કે બંધારણે મારી ગરિમાને દરેક અન્ય નાગરિકની બરાબર માની. તેણે ન માત્ર અમને સુરક્ષા પ્રદાન કરી, પણ તક, સ્વતંત્રતા અને સામાજિક ન્યાયનું વચન પણ આપ્યું. બંધારણે સમાનતાને એક દૂરની વિચારધારાને બદલે જીવનની વાસ્તવિકતા બનાવી છે.’
ગુરુઓનો પ્રભાવ:
જસ્ટિસ ગવઈએ તેમના જીવન પર ગૌતમ બુદ્ધ, મહાત્મા ગાંધી અને પિતા આર.એસ. ગવઈના પ્રભાવને યાદ કર્યો. તેમણે કહ્યું, ‘આંબેડકરે બતાવ્યું કે કાયદાને લોકો વચ્ચે સમાનતાના માધ્યમમાં પરિવર્તિત કરવો જોઈએ, ન કે તેના દ્વારા એક પદાનુક્રમ નક્કી કરવો જોઈએ, જ્યારે મારા પિતાએ મને ન્યાય અને કરુણાના મૂલ્યો આપ્યા.’
વકીલોની જવાબદારી:
તેમણે પોતાના કાયદાકીય અભ્યાસનો ઉલ્લેખ કરતાં એક એવા સમાજના વ્યક્તિનો કેસ લડવાનો પ્રસંગ યાદ કર્યો, જેમાંથી ક્યારેય કોઈ ડૉક્ટર બન્યું નહોતું. તેમણે કહ્યું કે આ કેસે તે સમાજ માટે આશાનું કિરણ જગાવ્યું હતું.
ચીફ જસ્ટિસે વકીલોને ભારપૂર્વક કહ્યું કે, ‘વકીલો તરીકે આપણી જવાબદારી કોઈ પણ મામલે માત્ર મનપસંદ પરિણામ પ્રાપ્ત કરવાથી ઘણી વધારે હોય છે. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે દલીલો કરીએ છીએ, શું તે બંધારણના મૂલ્યોનો વિસ્તાર કરે છે કે નહીં. મેં દરેક કેસને બંધારણીય મૂલ્યોને આગળ વધારવાની તક ગણાવી.’
આ પણ વાંચોઃ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીની આવતી કાલે થશે જાહેરાત; આરજેડી નેતાનો દાવો, કહ્યુઃ બધું બરાબર છે
આ પણ વાંચોઃ ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદનથી પાકિસ્તાન ચિડાયું, કાશ્મીરનો ઉલ્લેખ કરતા જ મરચાં લાગ્યા












