ગ્રાહકોની મંજૂરી વિના સર્વિસ ચાર્જ વસૂલવો ગેરકાયદેસર: CCPAએ દેશની 41 રેસ્ટોરન્ટ્સ સામે લીધા કડક પગલાં

CCPA Restaurant Service Charge Fine: હોટલ અને રેસ્ટોરન્ટના ફૂડ બિલમાં ગ્રાહકોની સંમતિ વિના આપમેળે ઉમેરાતો સર્વિસ ચાર્જ હવે સંચાલકો માટે ભારે મુશ્કેલી ઊભી કરશે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ દેશભરની 41 રેસ્ટોરન્ટ્સ સામે લાલ આંખ કરી છે. CCPAએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકની પૂર્વ મંજૂરી વિના બિલમાં સર્વિસ ચાર્જ જોડવો એ ગ્રાહક સુરક્ષા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે અને તે એક અન્યાયી વેપાર પ્રથા છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર મળેલી અસંખ્ય ફરિયાદો અને બિલની ચકાસણી બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચાયોસ કેફે પર 50,000 નો દંડ
આ ઝુંબેશ હેઠળ સત્તાવાળાઓએ જાણીતી બ્રાન્ડ ચાયોસ (સનશાઇન ટીહાઉસ પ્રાઇવેટ લિમિટેડ) પર ₹50,000 નો આકરો દંડ ફટકાર્યો છે. ઓથોરિટીએ કંપનીને ગ્રાહક પાસેથી લીધેલો સર્વિસ ચાર્જ વ્યાજ સાથે પરત કરવા અને તેમના તમામ આઉટલેટ્સમાં બિલિંગ સોફ્ટવેર બદલવાનો આદેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવો કોઈ ચાર્જ આપમેળે ન જોડાય. આ ઉપરાંત, CCPA એ કાફે બ્લુ બોટલ (પટના), ચાઇના ગેટ રેસ્ટોરન્ટ, બાર્બેક્યુ નેશન, FOO અમદાવાદ, લોપેરા ફ્રેન્ચ બેકરી અને ઝોરો ધ લક્ઝરી નાઇટક્લબ સહિતની અનેક નામાંકિત સંસ્થાઓ સામે અંતિમ આદેશો જારી કર્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દિલ્હી હાઈકોર્ટે પણ આપ્યું સમર્થન
CCPA ના ચીફ કમિશનર નિધિ ખરેએ જણાવ્યું હતું કે, જો કોઈ પણ રેસ્ટોરન્ટ ગ્રાહક પર સર્વિસ ચાર્જ ચૂકવવાનું દબાણ કરે, તો ગ્રાહકો રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનના ટોલ-ફ્રી નંબર 1915 પર તુરંત ફરિયાદ નોંધાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે પણ 28 માર્ચ 2025 ના રોજ આપેલા પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં CCPA ની માર્ગદર્શિકાને યોગ્ય ઠેરવી હતી અને ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવાની પ્રથાને કાયદા વિરુદ્ધ ગણાવી હતી.
શું છે વર્ષ 2022 ની CCPA માર્ગદર્શિકા?
વર્ષ 2022 માં જારી કરાયેલા નિયમો અનુસાર, કોઈપણ હોટેલ કે રેસ્ટોરન્ટ બિલમાં આપમેળે કે અન્ય કોઈ પણ નામે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં. આ ચાર્જ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તે ચૂકવવો કે નહીં તેનો આખરી નિર્ણય ગ્રાહકનો રહેશે. માત્ર સર્વિસ ચાર્જ ચૂકવવાની ના પાડવા બદલ રેસ્ટોરન્ટ ગ્રાહકને પ્રવેશ આપવાનો કે સેવા આપવાનો ઇનકાર કરી શકશે નહીં.












