અમદાવાદઃ યુવતીને કેનેડા જવાનું સપનું જોવું ભારે પડ્યું, જાણો વિગતવાર
અમદાવાદ, તા. 27 જુલાઈ, 2025: અમેરિકાએ વિઝા નિયમો કડક કર્યા બાદ અનેક લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો તરફ વળ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં રહેતી એક યુવતીને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એજન્ટે 5 લાખનો ચૂનો લગાવ્યો હતો. યુવતીને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, 20 લાખમાં મહિલાને કેનેડાની વર્ક પરમિટ અપાવવાનું કહી નવરંગપુરાના કેશવમ્ ઇન્ટરનેશનલના 2 સંચાલકે યુવતી પાસેથી રૂ. 5 લાખ લીધા હતા, 6 મહિનામાં વિઝા પ્રોસેસ પૂરી કરવાની હતી પરંતુ ન થતાં મહિલાએ પૈસા પરત માગતાં લાંબા સમય બાદ ચેક આપ્યા હતા. જે બેંકમાં ભરતા રિટર્ન થયા હતા. જેથી યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આંબાવાડીમાં રહેતી યુવતીને 2021માં જોબ માટે કેનેડા જવાનું હતું. તેમને જૂના પાડોશીએ કુશલ પટેલ અને ઉષા પટેલનો રેફરન્સ આપતાં જણાવ્યું હતું કે, મેં મારી કેનેડાની ફાઇલ પણ આ બંને પાસે જ મૂકી હતી. તેમની કેશવમ ઇન્ટરનેશનલ ઑફિસ કોમર્સ છ રસ્તા સામવેદ હોસ્પિટલ સામે કોમર્સ સિક્સ કોમ્પ્લેક્સમાં આવી છે. આથી તેઓ તેમને મળવા ગયાં, ત્યારે કુશલ પટેલ અને ઉષા પટેલે તેમને 6 મહિનામાં કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની વાત કરી રૂ.20 લાખનો ખર્ચ જણાવ્યો હતો. આથી તેઓ સંમત થતાં પ્રોસેસ શરૂ કરી હતી.
આ માટે તેમણે તમામ જરૂરી ડોક્યુમેન્ટની ફાઇલ અને રૂ.5 લાખ એડવાન્સ આપ્યા હતા. ત્યાર બાદ નોમિનીના લેટર આવી ગયા હોવાનું કહી બીજા પૈસા માગ્યા હતા. આથી તેમણે લેટર માગતાં, મહિનામાં લેટર આવી જશે તેમ કહ્યું હતું. લાંબા સમય સુધી લેટર ન આવતા શંકા જતાં તેમણે પૈસા પરત માગ્યા હતા. જેથી તેમને રૂ.5 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં ભર્યા બાદ રિટર્ન થયો હતો. આ અંગે તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ












