
- ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહીં
- આખી ટીમ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે ઉભી છે
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમોમાં ક્યાંય ઉલ્લેખ નથી કે, હાથ મિલાવવા જરૂરી છે
એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બહુ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ મેચ બાદનો વિવાદ પણ હેડલાઈન્સમાં છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ-વિનિંગ સિક્સર ફટકારતાની સાથે જ તે સીધો શિવમ દુબે સાથે પેવેલિયન જતા રહ્યા હતા. બંનેએ પરંપરા મુજબ, પાકિસ્તાની ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહીં.
ક્રિકેટ મેચ પૂરી થયા બાદ સામાન્ય રીતે બંને ટીમો ખેલદિલી બતાવવા માટે એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે. પાકિસ્તાની ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો ભારતીય ખેલાડીઓના આવવા અને હાથ મિલાવવાની રાહ જોતા રહ્યા. પરંતુ આખી ટીમ મેદાનથી સીધી તેમના ડ્રેસિંગ રૂમમાં જતી રહી. અગાઉ ટોસ દરમિયાન પણ સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગાએ હાથ મિલાવ્યો ન હતો.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું કે, તેમની ટીમ મેદાન પર રમવા આવી હતી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. સૂર્યકુમારે કહ્યું કે, જીવનમાં કેટલીક બાબતો ખેલાડીની ભાવનાથી ઉપર હોય છે. સૂર્યાએ કહ્યું કે, આખી ટીમ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે ઉભી છે. કેપ્ટન સૂર્યાએ આ વિજય ભારતીય સેનાને સમર્પિત કર્યો જેમણે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક ચલાવ્યું.
શું હાથ મિલાવવા જરૂરી છે, નિયમો શું કહે છે?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમોમાં ક્યાંય ઉલ્લેખ નથી કે, હાથ મિલાવવા જરૂરી છે. આ સ્થિતિમાં ચેતવણી, દંડ અથવા મેચ પ્રતિબંધ વિશે વાત કરવી યોગ્ય નહીં. અમ્પાયર અને ખેલાડીઓ મેચ પહેલા અથવા પછી ફક્ત રમતની ભાવનાને ધ્યાનમાં રાખીને હાથ મિલાવતા હોય છે. આ પરંપરા ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં જોવા મળે છે.
જો ખેલાડીઓ ઇરાદાપૂર્વક હાથ ન મિલાવતા હોય તો જ તેને રમતની ભાવના વિરુદ્ધ ગણી શકાય. ICC આચારસંહિતાના કલમ 2.1.8 મુજબ આવા વર્તનને રમતની ભાવના વિરુદ્ધ અને રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર માનવામાં આવે છે. તેને લેવલ-1 અને લેવલ-2માં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
લેવલ-1ના ગુનામાં ચેતવણી અથવા $2,000 સુધીના દંડ સાથે છોડી શકાય છે. લેવલ-2ના ગુનામાં મેચ ફીના 100% દંડ લાદવામાં આવી શકે છે અને ડિમેરિટ પોઈન્ટ આપી શકાય છે. જો કોઈ ખેલાડી 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ એકઠા કરે છે તો તેના પર થોડી મેચો માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.












