બોપલ ત્રણ દિવસ બાદ પણ પાણી પાણી, બોટથી મેડિકલ ટીમે દવાઓ પહોંચાડી

Bopal still Facing issue : શહેરમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદના ત્રણ દિવસ બાદ પણ બોપલ વિસ્તારના અનેક રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ યથાવત છે. 19 ઇંચથી વધુ વરસાદ બાદ અનેક સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો હજુ સુધી સંપૂર્ણ નિકાલ થઈ શક્યો નથી, જેના કારણે હજારો રહેવાસીઓનું જનજીવન પ્રભાવિત બન્યું છે.
બોપલ ગામ નજીક આવેલી ભાગવત પાર્ક સોસાયટી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે. સોસાયટીના આંતરિક રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોને ઘર બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દર્દીઓ માટે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે.
પાણીજન્ય રોગચાળો ફેલાવાની આશંકાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી બોટ જ એકમાત્ર વિકલ્પ બનતા મેડિકલ ટીમને બોટ મારફતે સોસાયટીઓમાં પહોંચાડવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મેડિકલ ટીમે ઘરે-ઘરે જઈ જરૂરી દવાઓનું વિતરણ કર્યું
મેડિકલ ટીમે ઘરે-ઘરે જઈ જરૂરી દવાઓનું વિતરણ કર્યું હતું. ઉપરાંત તાવ, ઝાડા-ઊલટી, ચામડીના રોગો સહિત પાણીજન્ય બીમારીઓથી બચવા માટે લોકોને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ લોકોની પ્રાથમિક આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા સતત સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
લાખો રૂપિયાનું નુકસાન
આ પહેલાં બોપલની સૂર્યશ્રીજી સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અનેક પરિવારો હજુ પણ ઘરોમાંથી પાણી બહાર કાઢવાની કામગીરીમાં વ્યસ્ત છે. કેટલાક પરિવારો છેલ્લા બે દિવસથી રસોઈ પણ બનાવી શક્યા નથી, જ્યારે ઘરવખરી પાણીમાં તરતી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રથમ વખત સર્જાઈ ગંભીર જળબંબાકાર સ્થિતિ
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા બે દાયકામાં બોપલમાં આટલી ગંભીર જળબંબાકાર સ્થિતિ પ્રથમ વખત સર્જાઈ છે. તેમનો આક્ષેપ છે કે વરસાદ બંધ થયા પછી પણ ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર સિસ્ટમ અસરકારક રીતે કાર્યરત ન હોવાથી પાણીનો નિકાલ ધીમો રહ્યો છે. યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો લોકોને આટલી લાંબી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત.
હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. શહેર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સોમવારે પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તંત્રે નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો : શિક્ષણ મંત્રી બન્યા બાદ પ્રહલાદ જોશીનું પ્રથમ નિવેદન, પીએમ મોદીનો માન્યો આભાર












