
Dadra Nagar Haveli Gas Blast: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આવેલા નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં અજાણ્યા કારણોસર થયેલો આ બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે ગોડાઉનની છત ઉડી ગઈ અને મજબૂત દીવાલો પણ તૂટી પડી. વિસ્ફોટના ઝાટકાથી આસપાસના વિસ્તારમાં ધ્રુજારી અનુભવાઈ હતી, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો અને લોકો ઘરોની બહાર દોડી આવ્યા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.












