IIT પ્લેસમેન્ટમાં મોટો ફેરફાર, ઓફર રદ કરનાર કંપનીઓ પર લાગશે પ્રતિબંધ

Big change in IIT placement: દેશના અગ્રણી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાઓ (IITs)એ કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓને જોબ ઓફર આપ્યા બાદ તેને પાછું ખેંચી લેતી કંપનીઓ સામે હવે કડક વલણ અપનાવ્યું છે. ઓલ IITs પ્લેસમેન્ટ કમિટી (AIPC)એ 10થી વધુ કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓ વિદ્યાર્થીઓને આપેલા ઓફરનું પાલન કરે અથવા અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર ચૂકવે.
અનેક વિદ્યાર્થીઓ થયા અસરગ્રસ્ત
રિપોર્ટ્સ મુજબ Oracle, Interview Kickstart અને SuperAGI જેવી કંપનીઓ પર 2026 બેચના વિદ્યાર્થીઓને આપેલા નોકરી અને ઇન્ટર્નશિપ ઓફર પાછા ખેંચવાના આરોપ લાગ્યા છે. આ નિર્ણયોથી લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હોવાનું કહેવાય છે.
AIPCએ સંબંધિત કંપનીઓને 15 ઓગસ્ટ સુધી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા અને ઉકેલ રજૂ કરવા માટે સમય આપ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિદ્યાર્થીઓ પર શું અસર પડી?
સામાન્ય રીતે કેમ્પસ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓ એક કંપનીનો ઓફર સ્વીકારી લેતાં અન્ય કંપનીઓમાં અરજી કરવાનું બંધ કરી દે છે. અનેક સંસ્થાઓમાં એવો નિયમ પણ હોય છે કે ઓફર સ્વીકાર્યા બાદ વિદ્યાર્થી અન્ય ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકતા નથી.
એવામાં જો કોઈ કંપની છેલ્લી ઘડીએ ઓફર પાછું ખેંચે તો વિદ્યાર્થીઓ માટે નવા અવસર શોધવા ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સીધી અસર તેમના કરિયર અને આર્થિક ભવિષ્ય પર પડે છે.
IITsએ શું ચેતવણી આપી?
AIPCના નવા માર્ગદર્શકો અનુસાર જો કોઈ કંપની યોગ્ય કારણ વગર જોબ ઓફર પાછું ખેંચશે તો તેને અસરગ્રસ્ત વિદ્યાર્થીને ત્રણ મહિનાના પગાર જેટલું વળતર આપવું પડી શકે છે.
સાથે જ આવી કંપનીઓ સામે ભવિષ્યમાં વધુ કડક પગલાં પણ લેવામાં આવી શકે છે. આ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અનિશ્ચિતતા અને નુકસાનથી બચાવવાનો છે.
નિયમ તોડનાર કંપનીઓ પર પ્રતિબંધ પણ લાગી શકે
IITsએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને ભવિષ્યની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયામાંથી પ્રતિબંધિત પણ કરવામાં આવી શકે છે. એટલે કે આવી કંપનીઓ આગામી વર્ષોમાં IITના વિદ્યાર્થીઓની ભરતી કરી શકશે નહીં.
Oracle કેસ સૌથી વધુ ચર્ચામાં
આ વર્ષે Oracle સાથે જોડાયેલો મામલો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. અનેક IIT અને NIT વિદ્યાર્થીઓને અપાયેલા ફુલ-ટાઈમ અને ઇન્ટર્નશિપ ઓફર પાછા ખેંચવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
રિપોર્ટ્સ મુજબ કંપનીમાં વૈશ્વિક સ્તરે છટણી અને બિઝનેસ રીસ્ટ્રક્ચરિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અસરગ્રસ્ત બન્યું હતું.
કેમ મહત્વપૂર્ણ છે આ નિર્ણય?
શિક્ષણ અને રોજગાર ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે IITsનું આ પગલું કેમ્પસ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ મજબૂત બનશે અને કંપનીઓ પણ જોબ ઓફર આપતા પહેલાં વધુ જવાબદારીપૂર્વક નિર્ણય લેશે.
આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિરમાં જ્યાં દાનની ગણતરી થશે, ત્યાં કર્મચારીઓ માટે લાગૂ થયા કડક નિયમો












