Bhavnagar: મહુવાના નિવૃત્ત મામલતદાર વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી

Bhavnagar News: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તત્કાલીન મામલતદાર વિરુદ્ધ લાંચની માંગણી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત મામલતદાર જયેશકુમાર ચીમનલાલ મહેતા (જે.સી. મહેતા) એ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક પાસેથી તેમનું કામ શાંતિથી ચાલવા દેવા અને હેરાન ન કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગતો મુજબ, ફરિયાદી મહુવા તાલુકાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક તરીકે ફરજ બજાવે છે. આ કેન્દ્રના કામકાજ દરમિયાન કોઈપણ પ્રકારના વાંધા-વચકા ઊભા ન કરવા અને ફરિયાદીને વહીવટી રીતે હેરાન-પરેશાન ન કરવાના બદલામાં તત્કાલીન મામલતદાર જે.સી. મહેતાએ કુલ ૫૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
લાંચના હપ્તા અને એસીબીની તપાસ:
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ લાંચની કુલ રકમ પૈકી ૧૦,૦૦૦ રૂપિયા ગત ૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ સ્વીકારી લીધા હતા. બાકીના ૪૦,૦૦૦ રૂપિયાની તેઓ સતત ઉઘરાણી કરી રહ્યા હતા. જોકે, એસીબીના છટકા દરમિયાન બાકીની રકમ કોઈ કારણોસર સ્વીકારાઈ નહોતી, પરંતુ પ્રાથમિક તપાસ અને લાંચની માંગણીના મજબૂત પુરાવાઓને આધારે એસીબીએ નિવૃત્ત મામલતદાર વિરુદ્ધ ગુનો નોંધી દીધો છે. રાજ્યસેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવાનું આ કૃત્ય એસીબીની તપાસમાં સ્પષ્ટ થયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Surat: ઘરકંકાસથી કંટાળી 14 વર્ષની સગીરાનો આપઘાતનો પ્રયાસ












