ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને નેતન્યાહૂએ આપ્યો મોટો ઝટકો, જાણો શું કહ્યું
Benjamin Netanyahu: ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ગાઝા અથવા વેસ્ટ બેંકમાં કોઈ પણ ફિલિસ્તિન રાજ્યની શક્યતાને સખત રીતે ફગાવી દીધી છે. આ સાથે જ તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 15 -મુદ્દાના ગાઝા પીસ પ્લાન (શાંતિ પ્રસ્તાવ) ને પણ અસ્વીકાર કરી દીધો છે. આનાથી યુદ્ધ પૂરું કરવાની દિશામાં મોટી સફળતાનો દાવો કરનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. ઇઝરાયેલી મીડિયાના જણાવ્યા અનુસાર, નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જ્યાં સુધી હું વડાપ્રધાન છું, ત્યાં સુધી ગાઝા કે વેસ્ટ બેંકમાં કોઈ પણ ફિલિસ્તિન રાજ્ય નહીં બને.”
ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા આ 15 -મુદ્દાના પીસ પ્લાન (શાંતિ પ્રસ્તાવ) ને અસ્વીકાર કરતા નેતન્યાહૂએ એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે પોતાના હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયેલ ગાઝામાંથી પોતાના સૈન્યને પાછું નહીં બોલાવે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે વોશિંગ્ટનમાં નેતન્યાહૂની યજમાની કર્યા બાદ આ રોડમેપને “એક મોટી સફળતા” ગણાવ્યો હતો. ટ્રમ્પે ત્યારે કહ્યું હતું, “ઇઝરાયેલે આપણી મદદ કરી છે અને તેઓ ખૂબ સારા રહ્યા છે.” તેમણે એ પણ કહ્યું હતું કે ઇઝરાયેલ આ સમજૂતીથી ‘ખૂબ ખુશ’ છે. જોકે, ટ્રમ્પે માન્યું હતું કે આ યોજનાને અમલમાં મૂકવી મુશ્કેલ હોઈ શકે છે.
બીજી તરફ, એક ઇઝરાયેલી રાજકીય સૂત્રએ ખુલાસો કર્યો કે વોશિંગ્ટનમાં થયેલી બેઠક દરમિયાન ગાઝાને લઈને કોઈ ચર્ચા જ થઈ ન હતી, જેનાથી એ સવાલ ઊભા થાય છે કે પીસ પ્લાનને અમલમાં મૂકવા અંગે બંને નેતાઓ વાસ્તવમાં કેટલા સહમત છે.
સમજૂતી પર હમાસની કડક શરતો
બીજી તરફ, હમાસે પણ આ સમજૂતી પર પોતાની કડક શરતો મૂકી દીધી છે. હમાસનું કહેવું છે કે પોતાના હથિયાર સોંપતા પહેલા ઇઝરાયેલે પોતાના હુમલા રોકવા પડશે અને અગાઉના યુદ્ધવિરામ કરાર હેઠળની પોતાની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવી પડશે.
હમાસના વરિષ્ઠ અધિકારી ગાઝી હમાદે જણાવ્યું હતું કે તેમનું જૂથ એક “કઠિન અને પીડાજનક” સમજૂતી સ્વીકારવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે એ જરૂરી છે કે ઇઝરાયેલ પહેલા ઇજિપ્તના શર્મ અલ-શેખમાં થયેલા કરારના પ્રારંભિક તબક્કાને લાગુ કરે. જેમાં હુમલા રોકવા, પોતાના સૈન્યને અગાઉની સ્થિતિ પર પાછું બોલાવવું અને ગાઝામાં માનવીય સહાયનો પુરવઠો વધારવો સામેલ છે.
હમાસનું કહેવું છે કે આ શરતો પૂરી થયા પછી જ તેઓ પોતાના હથિયાર ‘ગાઝા વહીવટ માટેની રાષ્ટ્રીય સમિતિ’ (National Committee for the Administration of Gaza) ને સોંપશે. આ એક ફિલિસ્તિની ટેકનોક્રેટિક સંસ્થા છે, જેને પરિવર્તનના સમયગાળામાં ગાઝાનો વહીવટ ચલાવવા માટે બનાવવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રમ્પના 15-પોઈન્ટ પ્લાનમાં શું છે?
ગાઝા યુદ્ધનો અંત લાવવા, સશસ્ત્ર જૂથોના હથિયારો જપ્ત કરવા, ઇઝરાયેલી સૈન્યને પાછું ખેંચવા અને વિસ્તારનો વહીવટ ફિલિસ્તિની ટેકનોક્રેટિક સંસ્થાને સોંપવાનો ચરણબદ્ધ પ્લાન છે.
આ પ્લાન હેઠળ, ઇઝરાયેલ અને હમાસે આગામી તબક્કામાં પ્રવેશતા પહેલાં યુદ્ધવિરામ સાથે જોડાયેલા પોતાના વર્તમાન વચનો પૂરા કરવા પડશે.
ત્યારપછી હમાસ અને અન્ય ફિલિસ્તિની જૂથો ગાઝાનો નાગરિક વહીવટ અને આંતરિક સુરક્ષા ‘નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા’ને સોંપી દેશે.
પ્લાનમાં ભારે હથિયારો, હથિયારોના ગોડાઉનો, લશ્કરી થાણાઓ અને ટનલો (સુરંગો) ની ઓળખ કરવા અને તેને કમિટીના નિયંત્રણ હેઠળ રાખવાની વાત પણ કહેવામાં આવી છે.
ઇઝરાયેલી સૈનિકોને ફિલિસ્તિની વહીવટવાળા વિસ્તારોથી અલગ કરવા અને કરારના અમલીકરણ પર નજર રાખવા માટે એક આંતરરાષ્ટ્રીય સ્ટેબિલાઈઝેશન ફોર્સ તૈનાત કરવામાં આવશે.
નક્કી કરેલી સમયમર્યાદા હેઠળ ઇઝરાયેલી સૈન્ય તબક્કાવાર રીતે ગાઝામાંથી પાછું હટશે, જ્યારે આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ પુનઃનિર્માણ અને જાહેર સેવાઓને પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ થશે.
રોડમેપમાં લાંબા સમય સુધી ચાલનારી રાજકીય પ્રક્રિયાની વાત પણ કરવામાં આવી છે, જેનો હેતુ ફિલિસ્તિનીઓના આત્મનિર્ણયના અધિકાર અને ફિલિસ્તિન રાજ્યની સ્થાપના કરવાનો છે.
8 દેશોએ ઇઝરાયેલને પીસ પ્લાન ખોરવી નાખવા સામે આપી ચેતવણી
ઇઝરાયેલ અને ટ્રમ્પના રોડમેપ વચ્ચે વધતા અંતર પર અનેક મુસ્લિમ બહુલ દેશોએ પણ એકજૂથ થઈને પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ કતાર, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સાથે જોડાયું હતું. આ તમામ દેશોએ ગાઝામાં ઇઝરાયેલના સતત ચાલી રહેલા સૈન્ય અભિયાનોની સખત નિંદા કરી અને ચેતવણી આપી કે આનાથી અમેરિકા સમર્થિત શાંતિ યોજનાના આગામી તબક્કાને લાગુ કરવાના પ્રયાસો ખોરવાઈ શકે છે.
એક સંયુક્ત નિવેદનમાં, આ આઠ દેશોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના આ પગલાં કરારને આગળ વધારવા માટે થઈ રહેલા આંતરરાષ્ટ્રીય પ્રયાસોને નબળા પાડી રહ્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે ફિલિસ્તિની જૂથોએ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલી રૂપરેખાનો અસ્વીકાર કરવાને બદલે તેને સ્વીકારી લીધી હતી.
આ પણ વાંચો:સર્જરી વચ્ચે અચાનક ગાવા લાગ્યા સોનુ નિગમ, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:25 મહિલાઓ સાથે લગ્ન અને કરોડોની ઠગાઈ: હવે વેવાઈ સામે ભાજપના ધારાસભ્યએ નોંધાવી FIR












