ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

Instagram પર રૂપાળી યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, ડોક્ટરને એક્સેપ્ટ કરવી ભારે પડી

વડોદરા, 13 એપ્રિલ 2024, ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાનને મસાજ કરાવવી ભારે પડી છે. એક યુવતીએ ડોક્ટરને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી પોતાનો ફોન નંબર આપી મસાજ માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ ડોક્ટર યુવતીના ઘરે મસાજ માટે પહોંચી ગયો હતો. જ્યાં યુવતીએ ડોક્ટરને નગ્ન કરતાંની સાથે જ નકલી પોલીસે રેડ કરી હતી. ડોક્ટરના નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરી 10 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કર્યો હતો. આખરે ડોક્ટરે યુવતી સહિત ચાર વ્યક્તિ સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામની ધરપકડ કરી છે.

ડોક્ટર જુહી લબાનાના ઘરે મસાજ કરાવવા માટે પહોંચી ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરના ન્યૂ સમા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ડોક્ટર એક ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દસ દિવસ પહેલાં ડોક્ટરને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર જુહી લબાના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે તેમણે એક્સેપ્ટ કરી હતી. એ બાદ તેણે ‘HI’ કરીને મેસેજ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે હું મસાજનું કામ કરું છું. તમારે મસાજ કરાવવી હોય તો કહેજો. તેણે મેસેજમાં પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો. મસાજ કરાવવા માટે ડોક્ટરે જુહી લબાનાએ આપેલા મોબાઇલ નંબર પર વ્હોટ્સએપ મેસેજ કરીને મસાજ કરાવવા માટેનો ભાવ પૂછ્યો હતો. જુહીએ એક કલાકના એક હજાર રૂપિયા ભાવ જણાવ્યો હતો. ડોક્ટરે મેસેજ કરાવવાની તૈયારી બતાવતાં જુહીએ તેને સરનામું આપ્યું હતું. ડોક્ટર જુહી લબાનાના ઘરે મસાજ કરાવવા માટે પહોંચી ગયો હતો.

અર્ધનગ્ન ડોક્ટરનો વીડિયો ઉતારવાની શરૂઆત કરી દીધી
જુહી ડોક્ટરને તેના બેડરૂમમાં લઇ ગઇ હતી અને મસાજ માટે કપડાં કાઢવા માટે જણાવતાં ડોક્ટરે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. ડોક્ટરે કપડાં કાઢતાની સાથે જ બે વ્યક્તિ રૂમમાં આવી ગયા હતાં, જેમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને અર્ધનગ્ન ડોક્ટરનો વીડિયો ઉતારવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસ બનીને આવેલા શખસે જુહી લબાનાને કહ્યું કે તમારા ઘરમાં ગોરખધંધા ચાલે છે. તમારા વિરુદ્ધ સોસાયટીના લોકોએ અરજી કરી છે. હાથથી લખેલી અરજી બતાવી ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન ગભરાઇ ગયેલા ડોક્ટરે આજીજી કરતાં પોલીસ બનીને આવેલા શખસ સહિત બંનેએ પોલીસથી બચવા માટે રૂપિયા 10 લાખની માગણી કરી હતી.

પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે ચાર લોકોની ધરપકડ કરી
ડોક્ટરે ઓછા કરવા માટે જણાવતાં ડુપ્લિકેટ પોલીસે ડોક્ટરને રૂપિયા 2 લાખ આપવા પડશે નહિ તો પોલીસ મથકમાં લઇ જઇશું એવી ધમકી આપી હતી. ગભરાઈ ગયેલા ડોક્ટરે એક લાખ રૂપિયા આપ્યા અને બાકીના બીજા દિવસે આપવાનું કહેતા નકલી પોલીસે તેને બાળાત્કારની ફરિયાદ દાખલ કરાવવાની વાત કરી હતી. ડોક્ટરે હિંમત સાથે પોતાની સાથે બનેલી ઘટનાની જાણ પત્નીને કરી દીધી હતી. પત્નીએ પણ ફસાઇ ગયેલા પતિને હિંમત આપી હતી. દરમિયાન ડોક્ટરે ગોત્રી પોલીસ મથકમાં મસાજ કરાવવાના નામે ફસાવનાર જુહી લબાના અને તેના ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ચાર લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં 84 જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઇ, પોલીસની 18 ટીમો ફરાર આરોપીઓને શોધશે

Back to top button